July 6, 2024

અમદાવાદના નકલી ચલણી નોટ પ્રકરણમાં ડ્રગ્સ રેકેટનો ખુલાસો

Ahmdabad: CID ક્રાઈમ દ્વારા નકલી ચલણી નોટ પકડવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. નકલી નોટ રિસિવ કરનાર આરોપી જુહાપુરાનો ડ્રગ્સ પેડલર હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપી પાસેથી ડ્રગ્સની ખરીદી કરનાર લોકોને ડુપ્લીકેટ નકલી નોટો પધરાવવાનો પ્લાન હતો.

CID ક્રાઈમ દ્વારા ડુપ્લીકેટ નોટ પકડવાના કેસમાં નકલી નોટ રિસિવ કરનાર મોઈન સૈયદની ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. આરોપી મોઇન જુહાપુરાનો ડ્રગ્સ પેડલર હોવાનો ખુલાસો થયો છે. તો સાથે સાથે, તેની પૂછપરછમાં વધુ ખુલાસો થયા છે કે તેની પાસે MD ડ્રગ્સની ખરીદી કરનાર લોકોને છૂટ્ટા રૂપિયામાં નકલી નોટો આપવાનો પ્લાન હતો. જેના માટે આરોપી મોઈને અગાઉ પકડાયેલ આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી પાસેથી નકલી નોટ મંગાવી હતી. જેમાં 15 લાખ રૂપિયાની નકલી નોટ સામે 5 લાખ રૂપિયા આપવાના નક્કી કર્યા હતા. ઉલ્લેખનીય છે કે CID ક્રાઇમ દ્વારા અગાઉ પકડાયેલ આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી, અનિલ કુમાર ધોબી અને કાલુરામ મેધવાલ ત્રણેય આરોપી 15.30 લાખની કિંમતની ચલણી નોટ લઈને અમદાવાદના જુહાપુરામાં આપવા જઈ રહ્યા હતા. તે જ સમયે તેઓની CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી.

CID ક્રાઇમની તપાસમાં એમ પણ સામે આવ્યું કે, અગાઉ પકડાયેલ આરોપી સતીષ, અનિલ અને કાલુરામ રાજસ્થાન – મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ ભવાની મંડીમાં મકાન ભાડે રાખ્યું હતું. જે મકાનમાં હાઈ રિઝોલ્યૂશન વાળા પ્રિન્ટિંગ મશીનનો ઉપયોગ કરીને રૂપિયા 100, 200 અને 500ની ચલણી નોટ છાપતા હતા. જ્યાં CID ક્રાઇમે ઘરમાં સર્ચ કરીને પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે આરોપી સતીષ કુમાર ઉર્ફે વિક્કી અગાઉ લાખો રૂપિયાની નકલી ચલણી નોટો છાપીને બજારમાં ફેરવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે, આરોપી સતીષ કુમાર વિરુદ્ધ રાજસ્થાનમાં નકલી ચલણી નોટ હેરાફેરી કેસમાં બે વખત ગુનો નોંધીને ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે નકલી નોટ રીસીવ કરનાર મોઇન સૈયદ રાજસ્થાન પ્રતાગગઢ નજીક ડ્રગ્સનો જથ્થો લેવા જતો તે સમયે આરોપી સતીષ કુમાર સાથે સંપર્ક થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે.

નકલી નોટ રિસિવ કરનાર મોઇન ઉર્ફે બાપુ સૈયદ હિસ્ટ્રી શીટર છે. જેના વિરુદ્ધમાં 14થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે. નકલી નોટ બજારમાં ફરતી કરવા માટે ડ્રગ્સનો નશો કરનારા લોકોને નકલી નોટો પધરાવવા માટે પ્લાન ઘડ્યો હતો. પરંતુ, CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી નોટની હેરાફેરી નેટવર્ક પર્દાફાશ કરીને ડ્રગ્સ રેકેટનો પણ ખુલાસો કરી દીધો છે.