લોકલ ટ્રેનનું સ્ટોપેજ ન અપાતાં ગરીબ કામદારોને હાલાકી, સુરત અપડાઉન કરવું પડે છે મોંઘું
જીગર નાયક, નવસારી: ડાયમંડ અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં કામદાર અને કર્મચારી અધિકારી વર્ગ રોજગારી મેળવવા માટે ટ્રેન મારફતે અપડાઉન કરે છે. પરંતુ, કોરોનાને કારણે બંધ થયેલી લોકલ ટ્રેન માંડ-માંડ શરૂ તો થઈ. પરંતુ, નવસારી રેલવે સ્ટેશનને બાદ કરતાં અન્ય નાના સ્ટેશન પર તેનું સ્ટોપેજ ન મળતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હાલાકી ભોગવી વધુ પૈસા ચૂકવી ખાનગી અને બસના મોંઘા પરિવહન દ્વારા અપડાઉન કરવાનો વારો આવ્યો છે.
બીલીમોરાના રેલવે મુસાફરોને વર્ષોથી થતો ટ્રેન સ્ટોપેજ અંગે અન્યાય થતો આવ્યો છે. અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. બીલીમોરા સ્ટેશને અનેક યાત્રી સુવિધાઓનો અભાવ છે. બીલીમોરા અને એના આજુબાજુના ગામોના અંદાજી 20 હજારથી વધુ લોકો નોકરી-ધંધા અર્થે મુંબઇ, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, બરોડા આવવા જવા માટે ટ્રેન એકમાત્ર વિકલ્પ છે. વલસાડ, પારડી, ઉદવાડા, વાપી, ભીલાડ, ઉમરગામ તરફ જતા લોકો છેલ્લા ઘણા વર્ષોથી નોકરી ધંધાના ટાઇમ સચવાય એ રીતે લોકલ મેમુ જેવી ટ્રેન માટે જી એમ સુધી ફરિયાદો કરી છે છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લવાયું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી બીલીમોરા રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ બાબતે કોઈ કામગીરી થઈ નથી જેને લઈને રોજિંદા અપડાઉન કરતા વર્ગમાં નારાજગીની સાથે સાથે હાલાકી બેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે બીલીમોરા રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી રેલવે માસ્તરને આવેદનપત્ર આપી ટ્રેન શરૂ કરવા માંગ કરી છે.
ભારત દેશમાં લાઈફ લાઈન ગણાતી રેલવે અનેક લોકોને પોતાના ઘરથી નોકરી ધંધા સ્થળ સુધી નજીવા ખર્ચે પહોંચાડે છે ત્યારે વલસાડથી સુરતની વચ્ચે એવા અનેક ગ્રામ્ય વિસ્તારના રેલ્વે સ્ટેશન છે કે જ્યાંથી લોકો 150 થી 200 રૂપિયાના માસિક પાસ ના નજીવા દરે છેલ્લા લાંબા વખતથી અપડાઉન કરી રહ્યા છે. ખાસ કરીને બીલીમોરા વિસ્તારમાં રોજગારીની તકો ન હોવાના કારણે મોટાભાગના યુવાનો અને મહિલાઓ રોજગારી અર્થે સુરત વલસાડ વાપી અને વડોદરા સુધી જાય છે પરંતુ ટ્રેનની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોએ મોંઘી મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
આ અંગે પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી, રેલવેમાં ગુજરાત રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, રેલવે સુવિધા સમિતિના સભ્ય છોટુ પાટીલ, સાંસદ સી.આર.પાટીલ, અને સાંસદ ધવલ પટેલ,ધારાસભ્ય નરેશ પટેલને ઘણીવાર આવેદનપત્ર અપાયા છે પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. સાંજે 7થી 11 વાગ્યે વચ્ચે સુરતથી બીલીમોરા આવવા ટ્રેનની ઘણી અગવડતા પડે છે. કોરોના સમયમાં બંધ થયેલ ફિરોઝપુર જનતા શરૂ થઇ નથી. સવારે 11.30ની વિરાર શટલ શરૂ થઇ નથી. સવારે 9:35થી બપોરે 1:20 વચ્ચે સુરત જવા કોઈ ટ્રેન નથી. નવી ટ્રેનોના સ્ટોપ – બીલીમોરા જંકશનને આપવામાં આવે મુસાફરોને પડતી તકલીફનો ઉકેલ આવશે.
એક શહેરથી બીજા શહેર અને એક રાજ્ય થી બીજા રાજ્ય જવા માટે હાલના તબક્કે રેલવે એ સૌથી સરળ મુસાફરીનું માધ્યમ બન્યું છે ઓછા પૈસે પોતાના ગંતવ્ય સ્થાન સુધી સહેલાઈથી પહોંચી વળવા માટે અનેક મુસાફરો આ રેલવેનો ઉપયોગ કરે છે. જેમાં નોકરીયાત વર્ગની સૌથી મોટી ભૂમિકા રેલવે ઉપર જ નિર્ધારી છે એવામાં બીલીમોરા શહેરને સ્ટોપેજ ન મળતા મુસાફરો હવે અકડાયા છે અને વહેલીમાં વહેલી તકે ટ્રેનનું સ્ટોપેજ મળે એવી માંગ કરી રહ્યા છે.