August 8, 2024

મની લોન્ડરિંગ કેસમાં ફસાયો એલ્વિશ યાદવ, EDએ પૂછપરછ કરવા બોલાવ્યો લખનૌ

Elvish Yadav: YouTuber અને Bigg Boss OTT 2 વિજેતા સિદ્ધાર્થ યાદવ ઉર્ફે એલ્વિશ યાદવ માટે મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એલ્વિશને તેમની પાર્ટીમાં પ્રતિબંધિત સાપના ઝેરનો ઉપયોગ કરવાના કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ જારી કર્યું છે. EDએ યુટ્યુબરને 23 જુલાઈએ પૂછપરછ માટે લખનઉ બોલાવ્યા છે. અગાઉ EDએ એલ્વિશને નોટિસ આપીને 8મી જુલાઈએ બોલાવ્યો હતો. પરંતુ તેણે તે વિદેશમાં હોવાનું કહીને થોડા દિવસનો સમય માંગ્યો હતો.

મે મહિનામાં ઈડીએ એલ્વિશ યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. યુપી પોલીસે એલ્વિશ યાદવ અને અન્ય સંબંધિત લોકો વિરુદ્ધ FIR નોંધી હતી અને ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આની નોંધ લેતા EDએ કેસ નોંધ્યો હતો.

આ કેસમાં EDએ આ અઠવાડિયે એલ્વિશ યાદવ સાથે સંકળાયેલા રાહુલ યાદવ ઉર્ફે રાહુલ ફૈઝલપુરિયાની પૂછપરછ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે ફૈઝલપુરિયાને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ED ગુનામાંથી કમાણી અને રેવ પાર્ટી માટે ગેરકાયદેસર નાણાંના ઉપયોગ અંગે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: LDની હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો, પરિવાજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર

એલ્વિશની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી
એલ્વિશ યાદવની નોઈડા પોલીસે આ વર્ષે 17 માર્ચે રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ તરીકે સાપના ઝેરનો ઉપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે એલ્વિશ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો હતો. આ મામલે ગયા વર્ષે નવેમ્બરમાં નોઈડા સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં એલ્વિશ સહિત 6 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ એક NGO પીપલ ફોર એનિમલ્સ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં બાકીના પાંચ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

એલ્વિશ યાદવ એક પ્રખ્યાત યુટ્યુબર છે. તેના YouTube પર 15 મિલિયન એટલે કે 1.5 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ગયા વર્ષે, એલ્વિશ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ ઓટીટી સીઝન 2 નો ભાગ બન્યો હતો. તેણે અભિષેક મલ્હાનને હરાવીને રિયાલિટી શોની ટ્રોફી કબજે કરી હતી.