સગવડિયું સેક્યુલરિઝમ
મૂળે પાશ્ચાત્ય વિચાર, નામદાર પોપની ધર્માંધ સતા અને કેથોલીકોના અત્યાચારના સામેના વિરોધ કરવા જન્મેલો વિચાર તે સેક્યુલરિઝમ (બિનસાંપ્રદાયિકતા) છે. જયારે પણ ધર્માન્ધતા, નાગરિકોના રોજીંદા જીવનને, રાજ્યને, તેની શાસન શૈલીને ભરડો લે છે ત્યારે ગુંગળાયેલા નાગરિકો બળવો કરી બેસે છે, બસ, આ પશ્ચિમના લોકોનો કટ્ટર ધાર્મિકતા સામેનો બળવો એટલે બિન સાંપ્રદાયિક્તા.
પશ્ચિમની વ્યાખ્યા પ્રમાણે, રાજકીય શાસન ,વૈયક્તિક નૈતિક્તા અને કેળવણીમાંથી ધર્મની બાદબાકી, એટલે સેક્યુલરિઝમ. “ધર્મ વિહીન શાસન” એ બિનસાંપ્રદાયિકતાનું પ્રધાન લક્ષણ છે .એવો પાશ્ચત્ય જગતે અપનાવેલ અર્થ છે. કહેવાય છે, રાજકીય તથા વ્યક્તિગત નૈતિકતાના સંદર્ભમાં, સીક્યુલારીઝ્મ શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ બ્રિટીશ રીફોર્મર સર જ્યોર્જ જેકબ હોલ્યાકે કરેલો.
જેની સામે સેક્યુલરિઝમ તો આપણા લોહીમાં વસી ગયેલું તત્વ છે. સનાતન ધર્મે આપેલ સંસ્કાર છે. “ધર્મશુન્યતા નહીં પણ ધર્મનો “”દંડ “” તરીકે ઉપયોગ કરવો, એ આપણી ,જુની શાસન વ્યવસ્થામાં, સામાજિક જીવનમાં, ફેલાય ગયેલ સંસ્કાર છે. જે સનાતન ધર્મની વિરાસત છે. સનાતને આપણને સર્વ ધર્મભાવ, સહિષ્ણુતા અને સ્વીકાર ગળથૂથીમાં પાયા છે.
સદીઓથી આપણે અનુભવ્યું છે કે, ક્યારે પણ, આપણા કોઈ રાજ પરિવારે, કોઈ શાસકે, કોઈ રાજ્યએ, ન તો કોઈ ધર્મને દબાવેલ હતો, કે ન તો ચર્ચની જેમ શાસન પર હાવી થયેલ હતું. વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે ધાર્મિક સ્વતંત્રતા એ આપણો “વણ લખ્યો અધિકાર” હતો. જે પશ્ચિમ સમાજમાં થયું તેનાથી તદન વિપરીત આપણું સામાજિક માળખું હતું.
વિશેષમાં જે ભાવ પાશ્ચાત્ય સેક્યુલરિઝમમાં છે તેમ આપણે અન્ય ધર્મનો અસ્વીકાર કરતા નથી ”. જે વાતની સાક્ષી આપણું વૈદિક સાહિત્ય પૂરે છે. દા.ત. ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે (અ.૭.શ્લોક ૨૧,૨૨ )
“જે જે ભક્ત શ્રદ્ધા પૂર્વક જે કોઈ રૂપને ભજે, તેની તે શ્રદ્ધા હું અડગ કરું છું (પૂર્ણ કરું છું.)
આમ છતાં બિન સાંપ્રદાયિક્તાને, બંધારણમાં સુધારો કરી, (બંધારણનો ૪૨મો સુધારો ૧૯૭૬) વધારાની વ્યાખ્યા આપી, ગૂંચવડો કર્યો છે. જેની સામે ખુદ સુપ્રીમ કોર્ટે પણ ટીકા કરી કહ્યું કે “”આપણે તો રિપબ્લિક ઘોષિત થયા ત્યારથી બિન સાંપ્રદાયિક રાજ્ય છીએ.”” “”જે સાબિત કરે છે કે રાજ્ય અને ધર્મ બન્ને જુદા જ છે””.
“ઈશ્વર અલ્લાહ તેરો નામ” પ્રાર્થના કરતા પૂજ્ય બાપુ સેક્યુલર જ હતા. જેના ઉદગારો આ સર્વનો પુરાવો નથી? છતાં આ વિષયે કોઈ પુરાવા માંગે તો, જોઈ આવે, અનેક પર્વતો પરના મંદિરોને, ઇસ્લામનો પગ દંડો થયો તે પહેલા હિંદુ મંદિરોની અડોઅડ બૌધ, જૈન મંદિરો બનેલા છે. અને ઇસ્લામના આવ્યા અને સ્થાયી થયા પછી, મજાર અને ઈદગાહ પણ બન્યા છે.
આપણા લોહીમાં જ “વણ લિખિત બિનસાંપ્રદાયિકતા” છે છતાં બંધારણ સુધારવાની જરૂર શા માટે પડી હતી? એમ સમજાય છે કે માત્ર રાજકીય રમતના પ્યાદા તરીકે આ સુધારો કરાયો હતો. આમ આપણું હાલનું બિન સાંપ્રદાયિકપણું બિન જરૂરી, ઉપરથી લદાયેલું, હેતુ પૂર્વક નું પગલું હતું. જેની આડ અસર રૂપે , કોમવાદને ઉતેજન મળ્યાનું દેખાય છે, સમાજ સ્પષ્ટપણે લઘુમતી અને બહુમતી એવા બે ભાગમાં વહેચાઈ ગયો છે. અને આ બન્ને “મતિ”નો ઉપયોગ સત્તાના સીહાસનની સીડી તરીકે થવા લાગ્યો છે.
સ્વતંત્ર થયાને તુર્તના વર્ષો માં મુસ્લિમ વોટ બેંક અંકે કરવાના પ્રયાસ રૂપે હાલનું બહુ ચર્ચિત વકફ બોર્ડનું સર્જન કરાયા હોવાનું લાગે છે. એટલું જ નહીં, તુષ્ટિકરણના કેટલાક વધુ ઉદાહરણો પણ સગવડિયા બિન સાંપ્રદાયિકતાની પ્રતીતિ કરાવે છે. જેમકે :-
૧. વકફ બોર્ડનું સર્જન,
૨. મુસ્લિમો ને બહુ પત્નીત્વની છૂટ.
૩. સ્ત્રીઓ/પુરુષો માટેના ભેદભાવ યુક્ત અસમાન વારસા હક્ક.
૪. શરિયા કાનૂનને વ્યક્તિગત ધર્મ ગણી માન્યતા આપવાનો કાયદો
કેટલાક સમય પહેલા, વિદેશી પત્રો, લેખો ભારતના સેક્યુલારિઝમને ઘણું સોફ્ટ ગણતા હતા. એટલુંજ નહીં પણ મુસ્લિમ ટેરર પ્રત્યે પણ નરમ વલણ રાખવા નો આક્ષેપ કરતા હતા.
ભારતીય કાયદો, લઘુમતી કોમને પોતાના કોમના શિક્ષણ માટેનો અધિકાર આપે છે તથા આવી સ્કૂલોને પોતાનું શિક્ષણ આપવા આર્થિક મદદ રાજ્ય, કેન્દ્ર પાસેથી મેળવવાનો અધિકાર આપે છે.
આ તુષ્ટિકરણની રાજનીતિને નજરે રાખી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જોરદાર હિમાયત થઈ રહી છે .જેની ફેવરમાં, ડાયરેક્ટ પ્રિન્સિપલનો આર્ટીકલ ૪૪થી , યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની ભલામણ બંધારણમાં છે જ. આ જો કરી શકાય તો સાચી બિન સાંપ્રદાયિક્તા લાવવામાં ઘણી મદદ થશે. તથા દેશના લોકોને લઘુમતી, બહુમતી ના લેબલ માંથી મુક્ત કરી શકાશે. જેના થી સામાજિક એકતા લાવી શકાશે.
આજે તો રાજકારણ માં બીન સાંપ્રદાયિકતાના ઓઠા હેઠળ કેટલાક પક્ષો, પોતાની વોટ બેંક સાચવવા વધુ ને વધુ સવલતો આપી લઘુમતીને પંપાળી રહી છે. જે ધીમું ઝેર બની રાષ્ટ્ર પુરષના શરીરમાં ફેલાતું જાય છે. ડર લાગે છે ક્યાંક ફરી ભાગલા તરફ દોરી જાય તેવું તો નહીં થાય ને? માટે સમય આવી ગયો છે આ વિષયે વધુ ચિંતન કરીએ અને માંગ કરીએ કે રાષ્ટ્ર હિતને જ સર્વોપરી ગણી સરકાર વહેલી તકે આવા માંદલા સીક્યુલારીઝ્મની બીમારી ઓ દૂર કરે