September 19, 2024

ઈ વ્હીકલને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રૂપિયા 278 કરોડનું પ્લાનિંગ

Electric Vehicles: કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS)ને 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ સાથે સરકારે સબસિડી 500 કરોડ રૂપિયાથી વધારીને 778 કરોડ રૂપિયા કરી દીધી છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગ મંત્રાલયે 13 માર્ચે આ યોજના શરૂ કરી હતી. જેમાં હવે મોટી અપડેટ સામે આવી છે. ઈ વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉપયોગી મનાય રહ્યું છે. આ યોજના 1 એપ્રિલ 2024 થી 31 જુલાઈ 2024 સુધી લાગુ કરવામાં આવી હતી. આ યોજના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક થ્રી વ્હીકલ અને ઇ-રિક્ષા પર સબસિડી આપવામાં આવે છે. આમાં ઈલેક્ટ્રિક 4 વ્હીલર્સને સામેલ કરવા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

 

રસ્તા પર વધશે ઈ વ્હીકલ
સરકારે હવે EMPSમાં ટુ વ્હીકલ માટે સબસિડી આપવાનો લક્ષ્યાંક વધારીને 5,00,080 કર્યો છે, જે અગાઉ 3.37 લાખ હતો. થ્રી-વ્હીકલ નો લક્ષ્યાંક 41,306 થી વધારીને 60,709 કરવામાં આવ્યો છે અને મોટા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીકલનો લક્ષ્યાંક 25,238 થી વધારીને 47,119 કરવામાં આવ્યો છે. જ્યારે ઈલેક્ટ્રિક રિક્ષાના લક્ષ્યાંકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકાર ઇલેક્ટ્રિક વાહનોની વિવિધ શ્રેણીઓ પર પ્રતિ કિલોવોટ રૂ. 5000ની સબસિડી આપી રહી છે. જેનાથી આવનારા દિવસોમાં રસ્તા પર ઈ વ્હિકલની સંખ્યામાં વધારો જોવા મળશે એ વાત તો નક્કી છે. અગાઉ, ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, કેન્દ્ર સરકારે 2019માં ઈલેક્ટ્રિક વાહનોને વેગ આપવા અને ઉત્પાદન એટલે કે FAME યોજના શરૂ કરી હતી. FAME-1 યોજના હેઠળ રૂ. 800 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. વર્ષ 2022 માં FAME-2 માટે રૂ. 10,000 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Maserati કાર છે ઉદ્યોગપતિઓની પહેલી પસંદ, કંપનીએ આપ્યું આ પાછળનું કારણ

સતત વધારવામાં આવ્યો નાણાકીય ખર્ચ
આ પછી, 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ, FAME-2 માટે નાણાકીય ખર્ચ રૂ. 1,500 કરોડથી વધારીને રૂ. 11,500 કરોડ કરવામાં આવ્યો. FAME-2 યોજના હેઠળ, સરકારે 31 માર્ચ 2024 સુધી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપી હતી, ત્યારબાદ EMPS હેઠળ સબસિડી આપવામાં આવી રહી છે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને ટુ-વ્હીકલ અને થ્રી-વ્હીકલ સેગમેન્ટમાં વધુ વૃદ્ધિ જોવા મળી છે. 2023માં ઈલેક્ટ્રિક વાહનોનું કુલ વેચાણ 15.30 લાખ યુનિટ સુધી પહોંચી ગયું છે, જે 2022માં 10.2 લાખ હતું. મહાનગરની સાથોસાથ હવે નાના નગર અને જિલ્લાઓમાં પણ ઈ વ્હીકલ સરળતાથી પ્રાપ્ય થવાને કારણે પરિવહન ક્ષેત્રનું સ્વરૂપ બદલી રહ્યું છે.

નિષ્ણાંતોનો મત
2-3 વર્ષમાં પેટ્રોલ અને EV ટુ-વ્હીકલ ની કિંમત સમાન હશે એવું ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયા કહે છે કે, પેટ્રોલ ટુ-વ્હીકલ ઉત્પાદકો પણ ઇ-ટુ-વ્હીકલ મોડલ વધારી રહ્યા છે. હાલમાં તેમનો હિસ્સો લગભગ 5% છે. તે 2-3 વર્ષમાં અનેકગણો વધશે. પેટ્રોલ ટુ-વ્હીકલની નજીક કિંમતો પણ ઘટી શકે છે. Altius EV-Techના સ્થાપક રાજીવ અરોરાના જણાવ્યા અનુસાર, ઈ-ટુ-વ્હીકલની કિંમતના 40% થી વધુ બેટરી ઉત્પાદન છે. છેલ્લા 5-6 મહિનામાં ચાઈનીઝ બેટરીની કિંમત લગભગ 40% થી 50% સુધી ઘટી ગઈ છે. આ સાથે, અમે સમગ્ર પ્રોડક્ટ રેન્જની કિંમતોમાં 15%નો ઘટાડો કર્યો છે. દેશમાં વાહનોની બેટરીના ઉદ્યોગો સારી રીતે સક્ષમ થવાને કારણે ચીનની માર્કેટ તૂટશે એ ભવિષ્ય પણ નક્કી મનાય રહ્યું છે.