PFના વ્યાજદરમાં વધારો, 6 કરોડ કર્મચારીઓને થશે ફાયદો
EPFO News Update: ઇપીએફઓના રોકાણકારો માટે મોટી ખુશખબરી આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએફ પર મળનારા વ્યાજને વધારવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, 2023-24નો વ્યાજદર 8.25 ટકા હશે. પહેલાં આ વ્યાજ 8.15 ટકા હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષમાં મળેલો આ સૌથી વધુ વ્યાજદર હશે.
માર્ચ 2023માં ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ વ્યાજદર 8.15 ટકા કર્યું હતું. તો માર્ચ 2022માં નાણાકીય વર્ષ 2021-22 માટે આ વ્યાજદર 8.10 ટકા હતું. જો કે, આ વ્યાજદર 1977-78 પછી સૌથી ઓછો હતો. પરંતુ ફરી એકવાર વ્યાજદરમાં વધારો થવાથી 6 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે.
શનિવારે શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ઇપીએફઓની 235મી બોર્ડ મિટિંગ મળી હતી. તેમાં વ્યાજદરોના વધારાને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વધેલા વ્યાજદરોની ઓફિસિયલ જાહેરાત નાણા મંત્રાલય પાસેથી મંજૂરી લીધા બાદ કરવામાં આવશે.
એકવાર વ્યાદજદરોની જાહેરાત થઈ જાય તો VPF ડિપોઝિટ પણ લાગુ થઈ જશે. છૂટ મેળવેલા ટ્રસ્ટે પોતાના કર્મચારીઓને 8.25 ટકા વ્યાજ આપવા માટે બંધાયેલા રહેશે.
કેવો રહ્યો છે વ્યાજદરોનો ઇતિહાસ?
2019-20 માટે વ્યાજદર 8.5 ટકા હતો. તો નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન કર્મચારીઓને પીએફ પર 8.65 ટકા વ્યાજ મળતું હતું. ઉલ્લેખનીય છે કે, 2015-16 માટે વ્યાજદર 8.8 ટકા રાખ્યો હતો. એટલે કે, હાલનો વ્યાજદર તેના કરતાં ઘણો ઓછો છે.