November 22, 2024

ઉનાના કથિત ભેળસેળયુક્ત તેલ કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કલેકટર આમને-સામને

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉનામાં તંત્ર દ્વારા કથિત ભેળસેળ યુક્ત તેલ કૌભાંડ પર રેડ પાડવા મામલે ઉના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશે સવાલો ઉઠાવ્યા છે. વંશે કલેકટર અને પોલીસ સામે મોટા આરોપ લગાવ્યા છે તો કલેકટર પૂજા વંશનાં આરોપોને પાયા વિહોણા અને દુર્ભાગ્ય પૂર્ણ ગણાવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા ઉનાના દેલવાડા રોડ પર થોડા દિવસો પહેલા તેલના ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. જ્યાંથી ભવાની ટ્રેડસ નામની કંપનીનું 31 લાખની રકમનું તેલ સીઝ કરાયું હતું. તેમના પર આરોપ હતો કે તે પામ તેલ અને સોયા તેલ મિક્ષ કરી ખાલી ડબ્બામાં ભરી તેના પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી કૌભાંડ આચરી રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા તમામ તેલ સીઝ કરાયું. ત્યારબાદ, ઉનાના નાલીયા માંડવી ગામે અને જશરાજ નગરમાંથી સનકાસ્પદ તેલ પકડાયું હતું અને ઉનામાં વેપારીઓને ત્યાં તંત્રની ટીમો પહોંચી નિવેદનો લીધા હતા. આ સમગ્ર મામલે પૂજા વંશે આરોપ લગાવ્યો છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તેલના સેમ્પલ નથી લીધા અને તેમને આવું કરવા કલેકટર કહ્યું હતું. પૂજા વંશે તેલ પકડાયું એ મુદ્દે કલેકટરને વધાવ્યા પરંતુ સેમ્પલ ન લેવાને લઈને ચાબખા માર્યા.

પૂજા વંશનાં આરોપ બાદ કલેકટર ડી ડી જાડેજા એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એ સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. તેલના ડબ્બા પર સ્ટીકર લગાવવા અને ફરી ઉપયોગ કરવો આવા મુદ્દાઓમાં સીધી રીતે એ ગેરકાનૂની હોવાનું સાબિત થાય છે. પામ અને સોયા તેલનું વહેંચાણ બ્રાન્ડેડ તેલના નામે કરવામાં આવી રહ્યું છે. અહી નિર્વ્યસની લોકો કેન્સરના મુખમાં ધકેલાય રહ્યા છે. જેનું કારણ આવા ભેળસેળ યુક્ત ખાધ પદાર્થ છે. જેને કારણે અમે કાર્યવાહી કરી છે અને આવું તેલ પકડ્યું છે. જ્યા જરૂર પડી છે ત્યાં સેમ્પલો પણ લીધા છે.

તેલ કાંડમાં પૂજા વંશે વધુ એક સણસણતો આરોપ પોલીસ પર લગાવ્યો છે. તેમણે કહ્યું કે 9 તારીખે તેલની કંપની નજીક કોઈ જાય છે ત્યાં 15 લાખની માંગણી કરે છે અને પોલીસ અને મામલતદારને બોલવવાની ધમકી આપે છે. એક પોલીસ કોન્સ્ટેબલ પણ ત્યાં નજીક પહોંચે છે આખરે ચાર લખામાં ડીલ ફાઈનલ થાય છે એક લાખ રોકડા અને ત્રણ લાખનો ચેક આપવામાં આવે છે. બીજા દિવસે ત્રણ લાખ રોકડા આપી ચેક પરત લેવામાં આવે છે અને સાંજે કલેકટરને બાતમી મળે છે અને રેડ થાય છે કલેકટરની આ કામગીરી કાબિલ-એ-તારીફ છે. પરંતુ પોલીસ અને ભેળસેળિયા ભેગા મળીને ધંધો ચલાવે છે પોલીસ હફતા ખાય છે.

કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાની પૂજા વંશનાં બીજા આરોપ પર પ્રતિક્રિયા સામે આવી છે. કલેકટર કહ્યું કે પુજાંભાઈ વંશ નામ જાહેર કરે કોણ સેટિંગ કરે છે અમેં કોઈ પણ હોય એક્શન લઈશું. તમામ મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે અને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ આવા આરોપો લગાવે એ કેટલું વ્યાજબી છે.