May 17, 2024

ફ્રીઝ અને ટીવીના બીલ કાઢી EDએ જમીન કૌભાંડના તાર જોડ્યાં

અમદાવાદ: EDએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન પર આરોપ લગાવ્યો કે, તેમણે 31 કરોડ રુપિયાથી વધારેની 8.86 એકર જમીન ગેરકાયદે રીતે લીધી છે. EDએ કોર્ટમાં પક્ષ રજૂ કરતા એક રેફ્રિજરેટર અને સ્માર્ટ ટીવીનું બિલ પ્રૂફ તરીકે રજૂ કર્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ રસીદો રાંચી સ્થિત બે ડીલરો પાસેથી પ્રાપ્ત કર્યા છે. ગત મહિને ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા અને ચાર અન્યોની વિરૂદ્ધમાં પણ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા છે. રાંચીમાં ન્યાયધીશ રાજીવ રંજનની વિશેષ PMLA અદાલતમાં 4 એપ્રિલના EDની ફરિયાદ પર સુનાવણી કરી હતી.

હેમંત સોરેનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી તરત જ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે બિરસા મુંડા જેલ, હોટવાર, રાંચીમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ED અનુસાર, ઉપરોક્ત બંને ગેજેટ્સ સંતોષ મુંડાના પરિવારના સભ્યોના નામે ખરીદવામાં આવ્યા હતા, જેમણે એજન્સીને જણાવ્યું હતું કે તેઓ 14-15 વર્ષથી હેમંત સોરેનની મિલકતના કેરટેકર તરીકે ઉક્ત જમીન (8.86 એકર) પર રહેતા હતા. એજન્સીએ સંતોષ મુંડાના નિવેદનનો ઉપયોગ હેમંત સોરેનના દાવાને રદિયો આપવા માટે કર્યો હતો કે તેમનો ઉક્ત જમીન સાથે કોઈ સંબંધ નથી.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

રાજકુમાર પહાન હેમંત સોરેનનો માસ્ક હતો: ED
EDએ જમીનના ટુકડા પર રાજકુમાર પહાણ નામના વ્યક્તિના દાવાને પણ ફગાવી દીધો હતો. EDએ આરોપ મૂક્યો હતો કે તે (રાજકુમાર પહાન) હેમંત સોરેન માટે સંપત્તિઓને પોતાના નિયંત્રણમાં રાખવા માટે માત્ર ‘માસ્ક’ હતા. EDએ દાવો કર્યો હતો કે ગયા વર્ષે ઓગસ્ટમાં આ કેસમાં સોરેનને પ્રથમ સમન્સ જાહેર કરવામાં આવ્યા બાદ તરત જ રાજકુમાર પહાને રાંચીના ડેપ્યુટી કમિશનરને પત્ર લખ્યો હતો. પહાને દાવો કર્યો હતો કે તે અને અન્ય કેટલાક લોકો જમીનના માલિક છે. પહાને રાંચીના ડેપ્યુટી કમિશનર પાસે માગણી કરી હતી કે અન્ય માલિકોના નામે અગાઉ થયેલા મ્યુટેશનને રદ્દ કરીને તેમને તેમની મિલકતમાંથી બહાર કાઢવાથી બચાવી લેવામાં આવે.

EDએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે હેમંત સોરેનની ધરપકડના બે દિવસ પહેલા 29 જાન્યુઆરીએ રાજકુમાર પહાણને જમીન ‘પુનઃસ્થાપિત’ કરી હતી, જેથી JMM નેતાનું નિયંત્રણ અને કબજો ‘અવિરોધ’ રહે. ED મુજબ, જમીન અનિવાર્યપણે ‘ભુઈનહારી’ મિલકત હતી જે સામાન્ય સંજોગોમાં કોઈને ટ્રાન્સફર અથવા વેચી શકાતી ન હતી અને ‘મુંડા’ અને ‘પહાન્સ’ આવી જમીનની મિલકતના માલિક તરીકે ઊભા હતા. EDએ દાવો કર્યો હતો કે જમીન મૂળ માલિકો દ્વારા અમુક વ્યક્તિઓને વેચવામાં આવી હતી. પરંતુ હેમંત સોરેને તે ખરીદદારોને ‘ખાલી કાઢ્યા’ અને 2010-11માં જમીન પર નિયંત્રણ મેળવી લીધું.

મુંડા સોરેનની સંપત્તિનું ધ્યાન રાખતા હતા: ED
સંતોષ મુંડાએ EDને એ પણ જણાવ્યું કે હેમંત સોરેન અને તેની પત્ની કલ્પનાએ જમીનની ‘બેથી ત્રણ વખત’ મુલાકાત લીધી હતી અને પ્લોટ પર બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી રહી હતી ત્યારે મજૂર તરીકે કામ કર્યું હતું. EDનો દાવો છે કે સોરેનના કહેવા પર મુંડાને સંપત્તિની સંભાળ રાખવાનો હવાલો આપવામાં આવ્યો હતો, આ સિવાય કેસના અન્ય આરોપી હિલારિયાસ કછપને ત્યાં વીજળીનું મીટર લગાવ્યું હતું. એજન્સીએ જણાવ્યું કે રાંચીના જે સરનામે જમીન આવેલી છે, ત્યાં ફેબ્રુઆરી 2017માં સંતોષ મુંડાના પુત્રના નામે એક રેફ્રિજરેટર ખરીદવામાં આવ્યું હતું, જ્યારે નવેમ્બર 2022માં તેમની પુત્રીના નામે એક સ્માર્ટ ટીવી ખરીદવામાં આવ્યું હતું.