ગીર-સોમનાથમાં કોંગ્રેસનો કકળાટ, જિલ્લા પ્રમુખ બોલ્યાં – ચંગુમંગુ સેટિંગથી ચાલે છે!
અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ જિલ્લા કોંગ્રેસનો કકળાટ સપાટી પર આવ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાને લઈને કોંગ્રેસ પ્રમુખે મોટો આરોપ લગાવ્યો છે કે, વિમલ ચુડાસમાએ લોકસભામાં મદદ નથી કરી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચંગુ-મંગુ સેટિંગથી ચાલે છે.
લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક કોંગ્રેસ હાર્યા બાદ હવે કોંગ્રેસનો બળાપો બહાર આવ્યો છે અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પર નિશાન તાક્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે ધડાકો કર્યો છે કે, ભૂતકાળમાં જશા બારડ કોંગ્રેસમાં હતા, તે સમયે પણ તે લોકસભામાં કોંગ્રેસને મદદ નહોતા કરતા અને વંડી ઠેકી જતા રહેતા હતા. તો વર્તમાન સમયમાં પણ કંઈક આવી સ્થિતિ છે. વિમલ ચુડાસમાએ કોંગ્રેસને લોકસભા બેઠક પર મદદ નથી કરી. તેમને ચોરવાડની જવાબદારી સોંપવામાં આવી છે. ચોરવાડમાં 14 હજાર મત હતાં અને કોંગ્રેસને માત્ર 1900 મત મળ્યાં છે. તેનો સીધો અર્થ થાય છે કે વિમલભાઈએ કોને મદદ કરી છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આટલેથી ન અટક્યા અને તેમની અંદર લાગેલી આગ વધુ બહાર આવી હતી અને વેદના ઠાલવતા કહ્યું કે, લોકસભામાં વિમલ ચુડાસમા કોંગ્રેસને મદદ નથી કરતા. જ્યારે વિધાનસભામાં રાજેશ ચુડાસમા ભાજપને મદદ નથી કરતા. મતલબ કે, આ બંને ચંગુ-મંગુનું સેટિંગ ચાલે છે. વિધાનસભામાં રાજેશભાઈ વિમલને નડતર નથી થતા અને લોકસભામાં વિમલ રાજેશને નડતર નથી થતા.
કરશન બારડે કહ્યું કે, વિમલ ચુડાસમા ચોરવાડના છે અને વેરાવળ વિધાનસભાના મતદાર પણ નથી છતાં તે ચૂંટાય છે. કારણ કે કોંગ્રેસના મત તેને મળે છે. ઉલેખનીય છે કે, લોકસભા ચૂંટણી સમયે પણ વેરાવળ જાહેર સભામાં આપ નેતા જગમાલ વાળા દ્વારા વિમલ ચુડાસમાની ગેરહાજરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને હવે ખુદ કોંગ્રેસ પ્રમુખે સવાલો ઉઠાવતા ગુજરાત કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે.