November 22, 2024

વરસાદના વિરામ છતાં ખેતરો જળમગ્ન, ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે, ગીર સોમનાથ જિલ્લામાં હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ અનેક ગામો એવા છે જ્યાં વરસાદ બાદ પણ સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. વરસાદ બાદ ખેતરોમાં ભરાઈ રહેલા પાણીની સમસ્યાને ગીર સોમનાથના ટીમબડી ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેના માટે ગ્રામજનો હાઈવે ઓથોરિટીની બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના ટીમબડી ગામના 30 જેટલા ખેડુતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ખતરો સતાવી રહ્યો છે. સુત્રાપાડા તાલુકાના ટીમબડી ગામે વરસાદે વિરામ તો લીધો છે પરંતુ ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. જેના કારણે ખેડૂતોનો મગફળીનો પાક લાંબા સમયથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

ખેડુતોનો આરોપ છે કે હાઈવે તૈયાર થયા બાદ આ સમસ્યા ઉભી થઈ છે. કારણે કે, હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. સમગ્ર સ્થિતિ માટે જવાબદાર કોઈપણ હોય પરંતુ હાલ તો ટીમબડી ગામનાં 30 જેટલા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, હજારો રૂપિયાનો ખર્ચ કરી ત્રણ મહિના રાત દિવસ મહેનત કરી ઉછરેલ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોના કહેવા મુજબ વહેલી તકે પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો તમામ ખેડુતોના પાકો નિષ્ફળ જઈ શકે છે.

ખેડૂતોના મતે નાળિયેરીના પાક સિવાય શેરડી, મગફળી, સોયાબીન અને બાજરીના પાક પર ખતરો તોળાઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા હાઈવે ઓથોરિટી સામે પગલા લેવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે.