ગીર-સોમનાથમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
ગીર સોમનાથઃ જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કૌભાંડ ઝડપી પાડ્યું છે. કુલ 73 લાખનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે.
સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ અને પ્રાચી ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રાસલી યાર્ડમાં વેપારી દુકાનોમાંથી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાચી ગામે પણ ખાનગી માલિકીની 10 દુકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી પ્રમાણે, આ દરોડામાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ દ્વારકાના એક મકાનમાં આગ, ચાર લોકોનાં ગૂંગળામણથી મોત
પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ભરત દેદા ગોહિલ, મનસુખ મથુરાદાસ લાખાણી, દિનેશ જગજીવન પઢીયાર, મનુ કરશન ગોહિલ, હસુમતીબેન નરસિંગદાસ દેવાણી, રહીમ હુસેન મલેકની માલિકીની 12 દુકાનોની તપાસ કરતા સરકારી માર્ક અને સિલાઈવાળા ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 1.97 લાખ કિલોનો જથ્થો ઝડપાયો છે. જેની કુલ કિંમત 64.32 લાખ આંકવામાં આવી રહી છે. આ સાથે જથ્થાની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી બોલેરો પીકઅપ પણ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, 1400 રૂપિયા પ્રતિ બોક્સ
પ્રાચીમાં આવેલા વેરાવળ રોડ ઉપર કે.કે. મોરી સ્કૂલવાળી ગલીમાં આવેલા ધીરૂભાઈ ઉર્ફે કાદુ ભાદાભાઈ બારડ અને યાજ્ઞિક હરીભાઈ ઝાલાની માલિકીની દસ દુકાનોમાંથી પણ ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 29,925 કિલોનો કુલ 8.83 લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે. આમ તંત્રએ બંને સ્થળેથી ઘઉં, ચોખા, બાજરી, ચણાનો 2.27 લાખ કિલોનો કુલ 73.15 લાખની રકમનો આવશ્યક ચીજ વસ્તુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તંત્રએ આ અંગે કોઈ ચોક્કસ જાણકારી ન આપતા હાલ અનેક તર્કવિતર્કો સર્જાયા છે.