વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું, 9 લોકોની ધરપકડ
ગીર-સોમનાથઃ ગુજરાત ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષે દરિયાકિનારાઓ પરથી અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતો હતો. ત્યારે નવા વર્ષની શરૂઆતથી ફરીથી આ સિલસિલો ચાલુ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હવે ગીર-સોમનાથ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો છે. વેરાવળ બંદરેથી કરોડો રૂપિયાની કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું છે. હાલ આ મામલે જિલ્લા LCB, SOG સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, વેરાવળ બંદરેથી 350 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે. 50 કિલો સીલ બંધ પેકેટ હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ હેરોઈન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરીયાઇ બોટમાંથી નશીલો પદાર્થ ઝડપાયો છે.
ગુજરાત ATSએ તપાસ ચાલુ કરી
તો બીજી તરફ, આ મામલે ગુજરાત ATS એ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કર્યું હતું. વેરાવળ બંદરેથી ડ્રગ્સ ઉત્તર પ્રદેશ મોકલવાનું હતું. આ જથ્થાનો રિસિવર ઉત્તર પ્રદેશનો ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. આ ઉપરાંત પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ મળી આવ્યો છે. હાલ તમામ 9 આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભાવનગરમાંથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો
ભાવનગરમાંથી નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે દરોડા પાડી મોટા પ્રમાણમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, SOGની ટીમે આઇ મેડિકલ એજન્સીમાંથી મોટા પ્રમાણમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપી પા઼ડ્યો છે. 579 જેટલી બોટલ ટીમે ઝડપી પાડી છે. હાલ આઇ મેડિકલ એજન્સીને એસઓજીની ટીમે સીલ કરી નાંખી છે.