July 8, 2024

PM મોદીની રશિયાની મુલાકાત પહેલા ભારતીય સેના માટે ગુડ ન્યૂઝ, 35000 AK-203 રાઈફલ્સની થઇ ડિલિવરી

Indian Army: PM નરેન્દ્ર મોદી 8-9 જુલાઈના રોજ રશિયાના પ્રવાસે રવાના થશે. જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદીની મોસ્કો મુલાકાત પહેલા જ ભારતીય સેનાને 35,000 AK-203 કલાશ્નિકોવ એસોલ્ટ રાઈફલ્સ આપવામાં આવી છે. આ પહેલા આ વર્ષે મે મહિનામાં ભારતીય સેનાને 27 હજાર એકે-203 રાઈફલો સોંપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ રાઈફલ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 25 ટકા પાર્ટ્સ ભારતમાં બનાવવામાં આવ્યા છે. આ રાઈફલો ભારત-રશિયાના સંયુક્ત સાહસ હેઠળ ઉત્તર પ્રદેશના અમેઠીમાં બનાવવામાં આવી રહી છે.

ડીલમાં ટેક્નોલોજી ટ્રાન્સફર પણ સામેલ છે
આ એસોલ્ટ રાઈફલ્સ બનાવવા માટે ભારત સરકાર દ્વારા જુલાઈ 2021માં રશિયા સાથે રૂ. 5000 કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ડીલમાં ટેક્નોલોજી ટ્રાન્સફર પણ સામેલ છે. આ ડીલ હેઠળ દેશમાં 6.7 લાખથી વધુ એકે-203 એસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન થવાનું છે. આ રાઈફલ્સનું નિર્માણ ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ (IRRPL) દ્વારા સંયુક્ત સાહસ હેઠળ કરવામાં આવશે. ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના 2019 માં ભારતના તત્કાલિન ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (હવે એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ અને મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ) અને રશિયાના રોસોબોરોનેક્સપોર્ટ અને કલાશ્નિકોવ વચ્ચે કરવામાં આવી હતી.

કલાશ્નિકોવ AK-203 એ વાસ્તવમાં AK-200 એસોલ્ટ રાઇફલનો એક પ્રકાર છે, જે ભારતીય સેનામાં વપરાતા 7.62×39mm કારતૂસ માટે ચેમ્બર છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ બનેલી આ રાઇફલ્સ ભારતીય સેનાને વધુ મજબૂત બનાવશે. યુપીના અમેઠી જિલ્લામાં ભારતમાં એસેમ્બલ કલાશ્નિકોવ AK-203 એસોલ્ટ રાઈફલ્સ બનાવવામાં આવી છે.

કરારની શરતો અનુસાર, ભારતમાં પ્રથમ 70,000 રાઇફલ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જેમાં ભારતીય ભાગોની મર્યાદા તબક્કાવાર રીતે 5 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવશે. બાકીની 6 લાખ રાઈફલ્સનું ઉત્પાદન 100 ટકા સ્વદેશીકરણ સાથે કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે AK-203 રાઇફલ્સનું સંપૂર્ણ પાયે ઉત્પાદન 2-3 વર્ષમાં શરૂ થશે.

ડિલિવરીમાં વિલંબનું કારણ
જો કે, આ સોદો સમય કરતાં પાછળ ચાલી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે સ્વદેશીકરણની પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ રહી છે, જેના કારણે વિલંબ થઈ રહ્યો છે. 70 ટકા સ્વદેશીકરણ સાથે પણ આ પ્રક્રિયા પહેલા બે વર્ષમાં પૂર્ણ થવી જોઈતી હતી. પરંતુ શક્ય તેટલી વહેલી તકે તેને હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોદામાં વિલંબને કારણે, ભારતે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી સીધી 70,000 AK-103 એસોલ્ટ રાઇફલ્સ ખરીદવાની હતી. જો કે, તેમની વચ્ચેનો તફાવત માત્ર હેન્ડગાર્ડનો છે.