November 23, 2024

Googleએ ફરી કરી છટણી, ભારતના કામકાજ પર થશે અસર

અમદાવાદઃ દિગ્ગજ કંપનીઓમાં છટણીની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. આ વર્ષે પણ અત્યાર સુધીમાં ઘણી નાની મોટી કંપનીઓએ કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરી ચૂકી છે. ત્યારે ટેક જગતની દિગ્ગજ કંપની ગૂગલે પણ ફરી એક વખત કર્મચારીઓની નોકરીમાંથી છૂટા કર્યા છે.

Google ની ટીમો પર અસર
એક અહેવાલમાં ગૂગલના પ્રવક્તાના હવાલાથી છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. ગૂગલે ઓપરેશનની કિંમત ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે કેટલાક કર્મચારીઓને ફરીથી બહારનો રસ્તો બતાવ્યો છે. રિપોર્ટ અનુસાર છટણીની અસર ગૂગલની રિયલ એસ્ટેટ ટીમ અને નાણા વિભાગની ટીમ પર પડી છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચો: અરુણાચલ પ્રદેશમાં મતદાનના બે દિવસ પહેલા BJP નેતાનું અપહરણ

કેટલા કર્મચારીઓને અસર થઈ?
કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે આ વખતે છટણી મર્યાદિત ધોરણે કરવામાં આવી છે. જેનાથી આખી કંપનીને અસર થશે નહીં. છટણી કરાયેલા કર્મચારીઓને ગૂગલમાં જ અન્ય હોદ્દા માટે અરજી કરવાની તક મળશે. જોકે, છટણીમાં કેટલા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. છટણીથી કઈ ટીમોને અસર થઈ છે તે અંગે પણ હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.

આ જ વર્ષમાં બીજી છટણી
2024માં જ ગૂગલની આ બીજી છટણી છે. જેનો અર્થ એ છે કે ટેક જાયન્ટે 4 મહિનાથી ઓછા સમયમાં બીજી વખત તેના કર્મચારીઓને કાઢી મૂક્યા છે. 2024ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ગૂગલે હજારો કર્મચારીઓની છટણી કરી હતી. એન્જિનિયરિંગ, હાર્ડવેર અને આસિસ્ટન્ટ ટીમના કર્મચારીઓ તે છટણીનો ભોગ બન્યા હતા. કંપનીના CEO સુંદર પિચાઈએ જાન્યુઆરીની છટણી પછી સંકેત આપ્યો હતો કે વધુ કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડી શકે છે.