July 4, 2024

બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવી તો… સમજો ગયા!

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: હવે બોર્ડની પરીક્ષાની ખોટી અફવા ફેલાવનારની ખેર નહીં, પરીક્ષાને લઇને અફવા અને ખોટી માહિતી શેર કરતા લોકો સામે સરકાર એલર્ટ થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષામાં બનાવટી પેપર ફોડનાર અને અફવા સામે IPC અને IT એકટ અંતર્ગત કાર્યવાહી થશે. આવા તત્વોથી દૂર રહવા બોર્ડે વાલીઓ અને વિધાર્થીઓને સૂચન કર્યું છે. નોંધનીય છે કે, આગામી 11 માર્ચથી ધો 10 અને ધો 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને ગેરરીતિવિહીન યોજાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

બોર્ડે પરિપત્ર જાહેર કરીને તત્વોથી સાવધાન રહેવા સુચન કર્યું
પરીક્ષાના સમય દરમિયાન અનૈતિક તત્વો દ્વારા યુટ્યુબ, ફેસબૂક, વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવવી અને પરીક્ષાનું પ્રશ્નપત્ર સાચું હોવાનો ખોટો દાવો કરતા હોય છે. બોર્ડની પરીક્ષા નજીક આવતાં જ આવા તત્વો પ્રશ્નપત્રોની નકલી લિંક ફેલાવે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા નમૂનાના પ્રશ્નપત્રમાંથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નો હશે તેવી ખોટી માહિતી પણ રજૂ કરે તેવી શક્યતાઓ રહે છે. બીજી બાજુ બોર્ડે પરિપત્ર જાહેર કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓએ આવા તત્વોથી સાવધાન રહેવા સુચન કર્યું છે. બોર્ડ નું કેહવુ છે કે આવા તત્ત્વો બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો હોવાનો દાવો કરીને લોકો પાસેથી નાણાકીય લાભ મેળવવાની કોશિશ કરતા હોય છે અને વાલીઓને છેતરીને નાણાંની માંગણી પણ કરી શકે છે.

બોર્ડે કન્ટ્રોલ રૂમ નંબર અને ઇ-મેઇલ આઇડી જાહેર કર્યો
બોર્ડ વાલીઓને વિનંતી કરી છે કે પરીક્ષા માટે આપનું સંતાન આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને આવા નકલી સમાચારો ફેલાવવામાં સામેલ થાય નહીં તેમજ બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન બોર્ડે નિયત કરેલા પરીક્ષા સંબંધી નિયમોનું પાલન કરે અને કોઇપણ જાતની ગેરરીતિથી અને ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં. વધુમાં બોર્ડે તાકીદ કરી કે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ન્યુઝ ફેલાવવામાં સામેલ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને આ તત્ત્વો સામે સામે IPC અને IT ACTની વિવિધ જોગવાઇઓ હેઠળ ગુનો નોંધાશે. બોર્ડની જાહેર પરીક્ષાઓ સંબંધિત કોઇપણ પ્રકારના વાંધાજનક સમાચારો સોશિયલ મીડિયા કે અન્ય કોઇપણ માધ્યમથી મળે તો વાલીઓને gsebexamcontrol@gmail.com પર E-mail અથવા બોર્ડના કન્ટ્રોલ રૂમ નંબર 9909038768, 7567918968, 7567918938 પર ફરિયાદ કરવા બોર્ડે સૂચન કર્યું છે.