છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં સાડા 6 ઇંચ
અમદાવાદઃ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યમાં 57 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. ઉમરપાડામાં અંદાજે 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો અમરેલીના લીલીયામાં 3.5 ઈંચ વરસાદ, સુરત શહેરમાં પણ 3.5 ઈંચ વરસાદ, વડોદરામાં 3.5 ઈંચ વરસાદ અને નવસારીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. જેમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી, ડાંગ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા તો સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.