પહેલીવાર બોર્ડની પરીક્ષા માટે લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ, વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકશે
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 11માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અમદાવાદની કામેશ્વર સ્કૂલમાં શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની તૈયારીઓનો નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં 15 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય તેને લઈને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવિધ સ્કૂલોમાં જઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં અંદાજિત 1.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેમની બેઠક વ્યવસ્થાને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી હતી. અમદાવાદમાં તમામ કેન્દ્ર પર વિદ્યાર્થીઓને તેમની બેઠક વ્યવસ્થાના સીટ નંબર ફાળવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બેઠક વ્યવસ્થાની તમામ જાણકારી સ્કૂલની બહાર પણ મૂકવામાં આવી છે, ત્યારે તેની તમામ વ્યવસ્થાઓ જાણવા અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ કૃપાબેન ઝા સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા અને સ્કૂલમાં સીસીટીવી કેમેરાથી લઈને તમામ વ્યવસ્થાઓનું તેઓ નિરીક્ષણ કર્યું હતું.
ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં DEOએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પ્રકારની વ્યવસ્થાઓ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં સોશિયલ મીડિયામાં ખોટા પ્રશ્નપત્રો અને નાણાકીય લાભ માટે અનેક લોકો પ્રશ્નપત્ર આવી ગયું હોવાનું જણાવીને રૂપિયા પડાવતા હોય છે. આ પ્રકારની અફવાઓથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ દૂર રહેવાની જરૂર છે. કારણ કે ખૂબ જ ગુપ્તતા સાથે આ પ્રશ્નપત્રો લાવવામાં આવે છે.
બોર્ડની પરીક્ષામાં સૌ પ્રથમ વાર લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓ આસાનીથી પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકશે. તમામ આચાર્યોને તમામ કેન્દ્રના લોકેશન મોકલી આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને મોકલી આપશે. જેથી કરીને વિદ્યાથીઓ કેન્દ્ર પર સમયસર પહોંચી શકે.
આ અંગે ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે, સ્કૂલોને પરીક્ષાને લઈને જરૂરી સૂચના આપવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય કે ઈલેક્ટ્રોનિક ગેજેટ સાથે ન રાખે અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે અપીલ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર જઈ આવે તો તેમને આવતીકાલે પહોંચવામાં સરળતા રહેશે.