July 7, 2024

કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડશે, માણાવદરના ધારાસભ્ય રાજીનામુ આપશે

gujarat congress manavadar mla arvind ladani resign

અરવિંદ લાડાણી - ફાઇલ તસવીર

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા છે. ત્યારે માણાવદર કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામુ આપશે તેવી ચર્ચા ચાલુ થઈ છે.

સાંજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સોંપશે
કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે રાજીનામુ આપશે. ત્યારે સાંજે 4.30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સોંપશે. ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષનો સમય માગતા ચારેતરફ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ લાડાણી હાલ ગાંધીનગરમાં જ છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં એક કાર્યક્રમમાં વ્યસ્ત છે. બપોર બાદ અધ્યક્ષ ગાંધીનગર પરત આવશે, ત્યારે તેમને રાજીનામું સોંપશે.

ગઈકાલે બે કોંગ્રેસની નેતા ભાજપમાં જોડાયા
કોંગ્રેસના મોટા નેતા અંબરિશ ડેર ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ ઉપરાંત તેમની સાથે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

મને કોઈ ડરાવી શકે નહીંઃ અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા જણાવે છે કે, ‘મને મોદી સાહેબના નેતૃત્વમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. ભાજપમાં જોડાઈ તો કોંગ્રેસ કહેતું કે, સરકારી એજન્સીઓના ડરથી ગયા છે. હું કહેવા માગુ છું કે, આજ સુધી મને કોઈ એજન્સીએ ડરાવ્યો નથી. ગુજરાત કોંગ્રેસમાં રહેલા કોઈ પણ નેતાને પણ કોઈ એજન્સી ડરાવી નથી રહી. મારા જેવા નેતાને સ્વીકારવા માટે આદરણીય નરેન્દ્રભાઈનો આભાર માનું છું. કોઈ લોભ, લાલચ કે ટિકિટની આશા-અપેક્ષા વિના ભાજપમાં જોડાઈ રહ્યો છું.’