શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલા એડમિશનના પોર્ટલમાં ખામી, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ આગામી શૈક્ષણિક વર્ષ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોમન એડમિશન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. તેમાં અનેક ખામી અને વિસંગતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા GCAS પોર્ટલના લોન્ચિંગમાં ખૂબ જ ઉતાવળ કરી હોવાથી તથા શૈક્ષણિક જગત સાથે કોઇપણ પ્રકારની ચર્ચા અને પરામર્શ કરવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ એબીવીપીએ કર્યો છે. યુનિવર્સિટી એડમિશનનું પોર્ટલ આગામી પહેલી જાન્યુઆરીથી શરૂ થવાનું છે. તેની પ્રક્રિયામાં ખામી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
GCAS પોર્ટલથી પ્રથમ વખત પ્રવેશ પ્રક્રિયા થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર પ્રક્રિયામાં કેટલા રાઉન્ડ થશે તેનો કોઈ ઉલ્લેખ નથી. 15 દિવસના આપેલા સમયમાં ગુજરાતના દરેક વિદ્યાર્થી સમય સૂચકતા વાપરી રજિસ્ટ્રેશન કરશે તે ખૂબ જ ઓછા અંશે શક્ય લાગે છે. તેથી પ્રક્રિયામાં એકથી વધુ રાઉન્ડ બહાર પડે તે ખૂબ જ આવશ્યક છે. આ તમામ વિશ્વવિદ્યાલયોના ભવનો અને કોલેજોની સીટ મેટ્રિક્સ પણ પોર્ટલ પર તેઓના નામની સાથે દર્શાવવી જોઇએ તેવી માંગ એબીવીપીએ કરી છે.
એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં તથા GCAS પોર્ટલ પર અનુસ્નાતક અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા પર હજુ સુધી કોઈ પણ ધારાધોરણો આપ્યાં નથી, જે ખૂબ મોટી ચિંતાનો વિષય છે. આ સાથે સાથે પ્રવેશ હેતુ પરીક્ષા લેનાર યુનિવર્સિટીઓ પણ તેમના પરિણામો એકસાથે જાહેર કરે, જેથી એક યુનિવર્સીટીના પરિણામથી પ્રક્રિયામાં રહેલી બીજી યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પર અસર થાય નહિ તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
એબીવીપીના ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આવનારા સમયમાં GCAS પોર્ટલ દૂરગામી નિર્ણય તો સાબિત થશે, પરંતુ આ પ્રયાસમાં ક્યાંકને ક્યાંક શિક્ષણ વિભાગ દ્વારા કેટલીક કચાશ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. પોર્ટલના સુવ્યવસ્થિત પ્રચાર-પ્રસારમાં શિક્ષણ વિભાગ નિષ્ફળ રહ્યો છે. જેના લીધે વિદ્યાર્થી જગતમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રશ્નો ઊભા થયા છે. આ પોર્ટલ પર માત્ર રજિસ્ટ્રેશન હેતુથી 300 રૂપિયા લેવામાં આવશે. ત્યારે તે પણ વધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રથમવાર આ પ્રકારથી પ્રવેશ પ્રક્રિયા અને રજિસ્ટ્રેશન જ્યારે કરવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા હેલ્પ સેન્ટરની પણ વ્યવસ્થાઓ કરી નથી. ત્યારે એબીવીપી દ્વારા દરેક જિલ્લામાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવશે.