September 6, 2024

દાદાનો દંડો શહેરી વિકાસ વિભાગ પર ફર્યો, પેટલાદ પાલિકાના ચીફ ઓફિસરને વયમર્યાદા પહેલાં નિવૃત્ત કર્યા

ગાંધીનગરઃ સરકારે વધુ એક ક્લાસ વન અધિકારી પર કાર્યવાહી કરી છે. પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસર પંજક બારોટને વયમર્યાદા પહેલાં નિવૃત કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પેટલાદ પાલિકાના ક્લાસ વન અધિકારીને આજથી જ સેવામાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે અનેક ખાતાકીય તપાસ ચાલુ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પહેલાં નાણા વિભાગ પર કાર્યવાહી કરી હતી
સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર હિતમાં નિર્ણય લઈને વધુ બે અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયર્ડ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, બંને અધિકારીઓ સામે અલગ અલગ વિભાગની ખાતાકીય તપાસ ચાલુ હતી.

રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ-1નાં બે અધિકારીઓ ડીપી નેતા અને એસએચ ગાંધીને સેવાઓમાંથી તાત્કાલિક અસરથી તારીખ 5 જુલાઈ, 2024 બપોર બાદ અપરિપક્વ નિવૃત એટલે કે પ્રિમેચ્યોર રિટાયર્ડ કરવામાં આવ્યા છે. બંને અધિકારીઓ વિરુદ્ધ જુદા જુદા કેસોમાં વિભાગીય કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.