સમગ્ર ગુજરાતમાં મેઘમલ્હાર, 88 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં સવારે 6 વાગ્યાની આસપાસ શરૂ થયેલો વરસાદ થોડા થોડા અંતરાલે લગભગ આખો દિવસ ચાલ્યો. ત્યારે હવે હવામાન વિભાગે આજે થયેલા વરસાદને લઈને આંકડા જાહેર કર્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 203 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આજે રાજ્યમાં 88 તાલુકામાં 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં નોંધાયો છે. પ્રાંતિજમાં આજે 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો, સાથે સાથે, મહેસાણાના વિસનગરમાં 6 ઈંચ વરસાદ, મહીસાગરના લુણાવાડામાં 5 ઈંચ વરસાદ, મહેસાણાના વિજાપુરમાં 4.5 ઈંચ વરસાદ, બનાસકાઠાના વડગામમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
સાંજે 4 થી 6 દરમિયાન 67 તાલુકાઓમાં વરસાદ
હવામાન વિભાગે વધુમાં સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને પણ આંકડા જાહેર કર્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સાંજે 4થી 6 દરમિયાન 2 કલાકમાં રાજ્યના 67 તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો છે. જેના સૌથી વધુ વરસાદ ભરૂચના હાંસોટમાં નોંધાયો છે. ભરૂચના હાંસોટમાં 4થી 6 દરમિયાન માત્ર બે કલાક 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો, અરવલ્લીના ભાયડમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ
વધુમાં, હવામાન વિભાગે આજે અમદાવાદમાં થયેલ વરસાદને લઈને પણ આંકડા આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજે અમદાવાદમાં સરેરાશ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો, સૌથી વધુ જોધપુર ઝોનમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સાથે જ, જોધપુર, મણિનગર, બોડકદેવમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો, સરખેજ, વાસણામાં પણ 1.5 ઈંચ વરસાદ, ચકુડિયા, રામોલ, બોપલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.