ચૂંટણી ટાણે ગુજરાત-MP બોર્ડરે 22 કિલો ચાંદી સહિત કરોડોની રોકડ ઝડપાઈ
પંચમહાલઃ લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા જુદી જુદી ટીમો બનાવી છે. ગઈકાલે મોડીરાત્રે એમપી-ગુજરાત પીટોલ બોર્ડર પર રાહુલ ટ્રાવેલ્સની એક બસને રોકી તપાસ કરતા ટીમ ચોંકી ઉઠી હતી. આ ટ્રાવેલ્સની ડેકીમાંથી એક બેગ મળી આવી હતી. જેમાં એક કરોડ કરતાં વધુ જેટલી રોકડ રકમ તેમજ 22 કિલો 300 ગ્રામ જેટલી ચાંદી બિનવારસી હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસ અને ટીમે આ બેગ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ વાત ઝાબુવા જિલ્લાના પીટોલ બોર્ડરની છે. ગત રાત્રિના 1:00 વાગ્યાના આશરે એસએસટી તેમજ એફએસટીની ટીમોએ સ્થાનિક પોલીસની સાથે મળી ઉજ્જૈન પાર્સિંગની રાહુલ ટ્રાવેલ્સની બસ જે ગુજરાતના રાજકોટ તરફ જઈ રહી હતી. આ બસને રોકી તલાસી લેતા ટ્રાવેલ્સની ડેકીમાંથી એક બેગ મળી આવી હતી. જેમાં એક કરોડ કરતાં વધુ રોકડ રકમ અને 22 કિલો જેટલી ચાંદી મળી આવી હતી. ત્યારે આ મામલે બસમાં સવાર મુસાફરો તેમજ બસના ચાલક તેમજ ક્લિનરની પૂછપરછ કરતા કોઈએ પણ આ બેગ કોનું છે તે અંગે કંઈ કહ્યું નહોતું.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
આખરે તપાસના અંતે આ બેગ બિનવારસી હોવાનું સામે આવતા પોલીસે રોકડ રકમ તેમજ ચાંદીનો જથ્થો જપ્ત કરી બસચાલક તેમજ ક્લિનરનું નિવેદન લઈ બસને રાજકોટ તરફ રવાના કરી હતી. પરંતુ પોલીસે બસના માલિકને તપાસ માટે નોટિસ મોકલી નિવેદન માટે બોલાવ્યા છે. લોકસભા ચૂંટણી સમયે આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને ચાંદી મળતા ચર્ચા ચાલુ થઈ ગઈ છે.
આ મામલે ચૂંટણી આયોગ એવું માને છે કે, આ પ્રકારના નાણાકીય વ્યવહારોના માધ્યમથી લોકશાહીના મહાપર્વને પ્રભાવિત કરવાનું ષડયંત્ર હોઈ શકે છે. મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોઈ શકે છે. આવા સમયે આટલી મોટી સંખ્યામાં રોકડ તેમજ ચાંદીનો જથ્થો મળી આવતા આશ્ચર્ય ફેલાયું છે. શું આ રોકડ રકમ તેમજ ચાંદીના જથ્થાનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરવાનો હેતુ હતો. આવા કેટલાય સવાલ છે જે તપાસના અંતે બહાર આવશે. આચારસંહિતા દરમિયાન પોલીસે આ રોકડ રકમ તેમજ ચાંદીના જથ્થાને જપ્ત કરી લીધો છે.
આ પણ વાંચોઃ PM મોદીના INDIA ગઠબંધન પર આકરા પ્રહાર, કહ્યુ – તે બધાના મનમાં ઝેર ભર્યું છે
ઉલ્લેખનીય છે કે, ઈન્દોરથી ઉજ્જૈન થઈને ગુજરાતના રસ્તાઓ પર 12 મહિના, 365 દિવસ જે બસો સંચાલિત થાય છે. તેમાં કથિત રીતે આવા જ કારોબાર થાય છે. પરંતુ ફર્ક એટલો છે કે આચારસંહિતા દરમિયાન બોર્ડર ઉપર સઘન ચેકિંગ હોય છે અને કાર્યવાહી થાય છે. એટલા માટે મોટી સંખ્યામાં ચાંદી તેમજ રોકડ રકમ જપ્ત થાય છે. પરંતુ બાકીના દિવસોમાં બધું ચાલે છે. તેવી પરિસ્થિતિ છે. હમણાં તો ઝાબુઆ પોલીસે આ રોકડ તેમજ ચાંદીના જથ્થાને જપ્ત કરી લીધો છે. પરંતુ ગુજરાત બોર્ડર ક્રોસ કરીને આટલી મોટી સંખ્યામાં રોકડ તેમજ ચાંદીનો જથ્થો શું દાહોદ અથવા અને કોઈ શહેરોમાં ઠાલવવાનો પ્રયાસ હતો? આટલા મોટા પ્રમાણમાં રોકડ તેમજ ચાંદીના જથ્થો ગુજરાતની 26માંથી કઈ લોકસભા બેઠક પર ચૂંટણીને પ્રભાવિત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. આ તમામ બાબતો મધ્યપ્રદેશ તેમજ ગુજરાત સરકાર માટે ઉચ્ચસ્તરીય તપાસ માંગી લે તેમ છે.