November 22, 2024

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની માગણી – ફીમાં ત્રણો ગણો વધારો કરો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ખાનગી શાળાઓની સાથે સાથે ગ્રાન્ટેડ શાળાઓની ફીમાં પણ ત્રણ ઘણો વધારો માગ્યો છે. શાળા સંચાલક મહામંડળનું માનવું છે કે, છેલ્લા 15 વર્ષથી શાળાની ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે શાળાઓની ફી વધારવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. ફી વિકલ્પવાળી શાળાઓમાં હાલમાં ધોરણ 9માં વિદ્યાર્થીદીઠ 60 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 250 રૂપિયા કરવા માગ કરવામાં આવી છે. આ ઉપરાંત લેબોરેટરી ખર્ચમાં પણ વધારા સાથે 65ના સ્થાને 500 રૂપિયા કરવા રજૂઆત કરી છે.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ કે, ‘ફી વિકલ્પવાળી શાળાઓમાં વર્ગ દીઠ જૂજ ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું. આજના મોધવારીના સમયમાં તે ફીમાં શાળાઓ ચલાવવી ખુબ જ મુશ્કેલ છે. ધો-9માં 60 રૂપિયા, ધો-10 માટે 70 રૂપિયા જ્યારે ધો-11માં વિદ્યાર્થીદીઠ 80 અને ધો-12માં 95 રૂપિયા ફી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમાં વધારો કરવા માટે સૂચન કરવામાં આવતા ધો-9 માટે 250, ધોરણ 10માં 300, ધો-11માં 350 જ્યારે ધો-12માં 400 રૂપિયા ફી લેવા માટે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે લેબોરેટરી ખર્ચ પણ વધતા ધો-11માં 500, જ્યારે ધો-12 માટે 600 રૂપિયા ફી વઘારવા માટે માગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં નિભાવ ગ્રાન્ટના સ્લેબ સુધારવાની સાથે સાથે ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ શાળાઓની ફીમાં પણ વધારો કરવા માગણી કરી છે. 2017ના ઠરાવ બાદ 7 વર્ષનો સમયગાળો થયો, ત્યારે દર વર્ષે 7 ટકા ફી વધારો ગણવામાં આવે તો ફીમાં 50 ટકા ફી વધારો મળવાપાત્ર થાય તેમ છે. જેથી સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે કે, 1થી 6 વર્ગ માટે વર્ગ દીઠ માસિક 5000, 7થી 16 વર્ગ માટે વર્ગ દીઠ માસિક 4500 અને 17 વર્ગ કરતાં વધુ માટે વર્ગ દીઠ માસિક 4000 નિભાવ ગ્રાન્ટ ચૂકવવામાં આવે તેવી માગણી કરી છે.