તાપમાનનો પારો ઉંચકાશે, હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે નવી આગાહી કરી છે કે, આગામી દિવસોમાં તાપમાનનો પારો વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સમયમાં તાપમાનનો પારો વધી શકે છે. લઘુત્તમ તાપમાન 1થી 2° સેલ્સિયસ ઊંચું નોંધાઈ શકે છે. આ ઉપરાંત પવનની ગતિમાં પણ વધારો થશે.
વધુમાં જણાવ્યુ હતુ કે, ‘રાજ્યના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ દિશામાં પવન ફૂંકાશે. પવનની ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક જેટલી થઈ શકે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદની શક્યતા બિલકુલ નથી.’
કમોસમી વરસાદી શક્યતાઃ અંબાલાલ પટેલ
તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠું પડશે તેવી આગાહી કરી છે. ત્યારે તેને લઈને ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આ ઉપરાંત 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ભારે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.