હવામાન વિભાગની આગ ઝરતી આગાહી, સૌરાષ્ટ્રમાં હિટવેવની શક્યતા
અમદાવાદઃ ભારે ઉકળાટ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રાજ્યમાં પવનની બદલાતા ગરમીમાં આંશિક રાહત થઈ છે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં થોડી રાહત થશે. ત્યારે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં હિટવેવની સંભાવના પણ છે.’
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 18, 2024
તેઓ વધુમાં જણાવે છે કે, ‘સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હિટવેવની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગરમીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.’
તેમણે આગળ જણાવ્યુ હતુ કે, ‘ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અકળામણનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.’
બે દિવસ પહેલાં વરસાદી માહોલ છવાયો હતો
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ પહેલાં વરસાદી માહોલ છવાયો હતો. સતત બે દિવસ સુધી અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી હતી.