આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી
ગાંધીનગરઃ ચોમાસું બરાબર જામી ગયું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે. આગામી 7 દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના રામાશ્રય યાદવ આ અંગે આગાહી કરતા જણાવે છે કે, ‘આગામી 7 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 25 ટકા વરસાદ, ખેડૂતોમાં ચિંતા
તેમણે વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, ‘આવતીકાલે વડોદરા અને છોટા ઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.’
તેમણે જિલ્લા પ્રમાણે વરસાદની માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.’
તેમણે કહ્યુ કે, ‘આ સિવાય આવતીકાલે વડોદરા અને છોટા ઉદયપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગામા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.’