November 22, 2024

ભરઉનાળે ગુજરાતમાં કરા સાથે વરસાદ, જુઓ ક્યાં ક્યાં વાતાવરણ પલટાયું

Gujarat weather update unseasonal rain sabarkantha banaskantha botad arvalli valsad

સાબરકાંઠાઃ ભરઉનાળે કમોસમી વરસાદે રાજ્યમાં માઝા મૂકી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના ઇડર તાલુકાના દરામલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે.

સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ થયો છે. અડધા કલાકથી વધુ સમયથી વરસાદ શરૂ છે. વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ નદી બન્યા હતા. તો બીજી તરફ, કાળઝાળ ગરમીમાં વરસાદી માવઠું પડતા શહેરીજનોને ભારે ઉકળાટમાંથી છૂટકારો મળ્યો છે. વાતાવરણમાં પલટો આવતા બાજરી, જુવારના પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે.

બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દાંતામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. મંડાલી મોકડી રોડ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં લોકો અટવાયા છે. તો રાણી ઉમરી રોડ વચ્ચે વૃક્ષ પડતા વાહનોને અટકાવવામાં આવ્યા છે. ઉલ્લેનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદમાં પણ ભારે પવન સાથે અચાનક વરસાદ ખાબક્યો હતો. ત્યારે પાળીયાદ, સાલૈયા સહિત આસપાસના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. શામળાજી સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે. મોડાસાના ઈસરોલમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

વલસાડમાં કપરાડાના આંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. પવન સાથે પડેલા વરસાદથી ગિરનારા ખાતે આશ્રમ શાળામાં નુકસાન પહોંચ્યું છે. ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને ઠંડક પ્રસરી ગઈ છે.

ભાવનગર જિલ્લાના સિહોર પંથકના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સિહોર તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. સિહોરમાં બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર, ખારી અને આજુબાજુ ગામમાં વરસાદ વરસ્યો છે.