November 21, 2024

સુરતમાં હર્ષ સંઘવીનું સૂચક નિવેદન, રોમિયોની હેરાનગતિથી કોઈ માતાપિતાએ……

સુરત: દિવાળી અને નવા વર્ષ નિમિતે સુરતમાં પોલીસ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરત ઉપરાંત સુરત રેન્જ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર અનુપનસિંહ ગેહલોત તેમજ રેન્જ IG પ્રેમવીરસિંગ સહિત જોઈન્ટ CP, DCP, ACP PI સહિતના અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામના પાઠવી.

કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “1000 વર્ષ પહેલાં એક વાક્ય પ્રચલિત થયું હતું કે અવંતીમાં હોય તો પાટણમાં કેમ નહીં. રાજા સિદ્ધરાજ સોલંકીના વિજય બાદ વિક્રમ સંવતની શરૂઆત થઈ. ત્યારબાદ વેપાર કે પછી સારા મુહૂર્તની શરૂઆત વિક્રમ સંવતના કેલેન્ડરની મદદથી કરતા હોઈએ છે. 2081ના સંવતના નૂતન વર્ષની હું સૌ પોલીસ અધિકારીને શુભકામના આપું છું. આજે રૂટિન વ્યવસ્થાઓમાંથી વિક્રમ સંવતની સમજ ઓછી થઈ રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યું, “PCથી લઇને CP સુધી આપણે આપણી પરિવારની વ્યવસ્થામાં વધુમાં વધુ કઇ બાબત ઉમેરી શકીએ તેની ચિંતા કરવી જોઈએ. પોલીસ જ્યારે રાત્રે ઘરે જાય ત્યારે તેની સાથે બનેલી આખો દિવસની ઘટના ન લઈ જાય તે આપણે જોવું જોઈએ. પોલીસ ઘરે આવ્યા બાદ સામાન્ય નાગરિકની જીવન જીવી શકીએ તે દિશામાં આપણે સ્ટાફને ટ્રેનીંગ આપવી જોઈએ. અલગ અલગ જગ્યા પર અલગ અલગ માધ્યમથી પોલીસ પોઝિટિવ થીંકીંગ તરફ આગળ વધે તેવા પ્રયાસ થઇ રહ્યા છે.

ગઈ કાલે એક સૂચન કરતા જ સુરત પોલીસ અનાથ આશ્રમના બાળકોને વૃદ્ધાશ્રમના લોકોને મળવાના કામે લાગી અને તેનાથી હજારો ચહેરા પર સ્મિત આવ્યું. સામાજિક દુષણોને દૂર કરવાનું કામ નવા વર્ષમાં કરવાનું છે. લોકોની સામાજિક સમસ્યા દૂર કરવા માટે આપણે ગંભીરતાથી કામગીરી આપણે કરવું જોઈએ. સામાજિક અનેક સમસ્યાના અમુક કામ એવા છે કે સમય અનુસાર એક્શન ન લેવામાં આવેતો એક વ્યક્તિને બચાવવામાં સામેના આખા પરિવાર મુશ્કેલીમાં મુકાય છે.

રોમિયોની હેરાનગતિમાં કોઈના પણ માતા પિતાએ પોલીસ કમિશ્નર કે હોમ મિનિસ્ટર સુધી પહોંચવું પડે તેમ ન થવું જોઈએ. પોલીસે જ દીકરા તરીકે તાત્કાલિક જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ. બુકમાં લખાયેલા કાયદાની સાથે સમાજમાં લખાયેલી બાબતોનું પાલન થવું જોઈએ. તમે ગમે એટલા સારા કામ કરો ત્યા એક વખત બનેલી ઘટના રિપીટ થાય તો કામગીરીની મતલબ નથી. એકની એક ઘટના વારંવાર બને તો માત્ર PI, PSI કે કોન્સ્ટેલ નહીં પણ ઉપરી તમામ અધિકારી જવાબદાર છે. એક પણ કલંકરૂપ ઘટના ન બને તે સંકલ્પ લઈને આપણે નવા વર્ષની શરૂઆત કરવાની છે.