November 22, 2024

3 નવા ફોજદારી કાયદાઓ પીનલ કોડનું સ્થાન લેશે, 1 જુલાઈથી દેશમાં લાગુ થશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય ક્રિમિનલ કાયદા 1 જુલાઈ 2024થી અમલમાં આવશે, પરંતુ હિટ એન્ડ રન સંબંધિત જોગવાઈના અમલ પર પ્રતિબંધ રહેશે. આઈપીસી, સીઆરપીસી અને ઈન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને બનાવવામાં આવેલા ત્રણ નવા કાયદાઓને 1 જુલાઈ 2024થી અમલીકરણ માટે સૂચિત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે, પરંતુ જાહેરનામાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 106(2)ને હાલ માટે હોલ્ડ પર રાખી છે, એટલે કે કલમ 106(2) હાલમાં લાગુ થશે નહીં, આ જોગવાઈ હિટ એન્ડ રન સંબંધિત ગુના સાથે સંબંધિત છે. નોંધનીય છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ જોગવાઈના વિરોધમાં દેશભરના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા, ત્યારબાદ કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું હતું કે ડ્રાઈવર યુનિયન સાથે ચર્ચા કર્યા બાદ આ કાયદો લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
આ મામલે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે ત્રણેય ફોજદારી કાયદા 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. હવે માત્ર કલમ ​​106 (2) હજુ અમલમાં આવશે નહીં. ઉલ્લેખનયી છે કે સંસદ દ્વારા ત્રણેય કાયદા 21 ડિસેમ્બર 2023ના રોજ પસાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેમને 25 ડિસેમ્બર 2023 ના રોજ મંજૂરી આપી હતી.જૂના વસાહતી કાળની ઘણી પરિભાષાઓ દૂર કરવામાં આવી છે.પહેલાં 420 એટલે છેતરપિંડી, 302 (હત્યા) અને 375 (બળાત્કાર) જેવા ગુનાઓ માટે લખાયેલી કલમો લોકોના હોઠ પર હતી પરંતુ તે કલમો હવે બદલાઇ ગઇ છે.

કુલ 358 કલમો અને 20 નવા ગુના
ભારતીય ન્યાયિક સંહિતામાં કુલ 358 કલમો છે અને તેમાં 20 નવા ગુનાઓની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમાં સ્નેચિંગ અને મોબ લિંચિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 33 ગુનાની સજામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 83 ગુનાઓની એવી કલમો છે છે જેમાં દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે. 23 એવા ગુના છે કે જેમાં લઘુત્તમ સજાનો ઉલ્લેખ ન હતો જેના માટે લઘુત્તમ સજાની જોગવાઈ કરવામાં આવી છે. 19 ધારાઓ એવી છે જેને હટાવી દેવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક અને સામુદાયિક સેવાને પણ સજા તરીકે રાખવામાં આવી છે. જે પહેલા ક્રિમિનલ લોમાં નહોતું. નવા કાયદામાં દેશદ્રોહ જેવા ગુનાઓ હવે દૂર કરવામાં આવ્યા છે. BN2 કોડની કલમ 113 આતંકવાદ સંબંધિત પરિભાષા અને સજા પ્રદાન કરે છે.

નવા કાયદામાં શું છે જોગવાઈઓ?
CRPCમાં કુલ 484 ધારાઓ હતી, જ્યારે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતામાં 531 ધારાઓ હતી, આવી કુલ 177 જોગવાઈઓ છે જેમાં સુધારો કરવામાં આવ્યો છે.9 નવી ધારાઓ અને કુલ 39 પેટા ધારાઓ ઉમેરવામાં આવી છે અને 14 જેટલી કલમો રદ કરવામાં આવી છે. BNSS 2023ના પુરાવાના કિસ્સામાં ઓડિયો-વિડિયો ઈલેક્ટ્રોનિક્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓને મહત્વ આપવામાં આવ્યું છે. નવા કાયદામાં કોઈપણ ગુનામાં જેલમાં મહત્તમ સજા ભોગવી ચૂકેલા કેદીઓને તેમના અંગત બોન્ડ પર મુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે ભારતીય પુરાવા કાયદામાં કુલ 170 કલમો હશે. અગાઉના ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ કુલ 167 કલમો હતી. 6 કલમો રદ કરવામાં આવી છે અને 2 નવી ધારાઓ અને 6 પેટા-ધારાઓ ઉમેરવામાં આવી છે. વધુમાં સાક્ષીઓના રક્ષણ માટે કાયદો બનાવવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

જૂના કેસ પર શું અસર થશે?
ત્રણ કાયદા મામલે સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિરાગ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવા ફોજદારી કાયદાના અમલની તારીખથી, જ્યારે પણ કોઈ ગુનો કરવામાં આવશે, ત્યારે તે નવા કાયદામાં નોંધવામાં આવશે. બંધારણ મુજબ, જ્યારે કોઈ ગુનો થાય છે ત્યારે કેસ ચલાવવામાં આવે છે અને તે સમયે અમલમાં રહેલા કાયદા અનુસાર સજા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે નવો કાયદો અમલમાં આવશે, ત્યારે નવા કાયદાકીય કલમો હેઠળ નવા કેસ નોંધવામાં આવશે અને જે પણ કાનૂની પ્રક્રિયા કરવામાં આવશે તે નવા કાયદા હેઠળ નક્કી કરવામાં આવશે. નવા કાયદા સાથે સંબંધિત જાહેરનામાં બહાર પાડવામાં આવ્યાની તારીખ બાદ જો ગુનો આચરવમાં આવશે તો નવા કાયદા પ્રમાણે કેસ નોંધાશે અને અને જો પહેલાથી જ પેન્ડિંગ કેસો હશે તેવા કિસ્સામાં અગાઉના કાયદા મુજબ કોર્ટમાં ચાલુ રહેશે. એટલે કે પહેલાથી જ નોંધાયેલા કેસોમાં અગાઉના કાયદા હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને પહેલાના કાયદા હેઠળ જ કેસ ચલાવવામાં આવશે અગાઉના કાયદા હેઠળ જ સુનાવણી હાથ ધરવામાં આવશે, જો કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસોની સુનાવણી પહેલાની જેમ જ ચાલુ રહેશે અને તેને કોઈ અસર થશે નહીં.