November 24, 2024

લેટરલ એન્ટ્રીથી કેટલા લોકો બન્યા ક્લાસ-1 ઓફિસર, મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ

દિલ્હી: મોદી સરકારે આજે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે લેટરલ એન્ટ્રી દ્વારા કેટલા લોકોને ક્લાસ-1 ઓફિસર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવ સ્તરના ઓછામાં ઓછા 57 અધિકારીઓ લેટરલ એન્ટ્રી દ્વારા સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આવી 63 નિમણૂંકો કરવામાં આવી છે, જેમાંથી 35 લોકો ખાનગી ક્ષેત્રના છે.

લોકસભા સાંસદ રામપ્રીત મંડલ દ્વારા લેટરલ એન્ટ્રી સંબંધિત નિમણૂકો અને અનામત નીતિ અંગે સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ભારત સરકારમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવ સ્તરે લેટરલ એન્ટ્રી દ્વારા 2018થી ભરતી કરવામાં આવે છે. તેનો હેતુ વિશેષ કાર્ય માટે વિશિષ્ટ લોકોની નિમણૂંક કરવાનો છે. તેમનું વિશેષ જ્ઞાન અને સ્પેશિયલાઇઝેશનને ધ્યાનમાં રાખીને તેમની નિયુક્તિ કરવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રીએ સંસદના માધ્યમથી દેશના જણાવ્યું કે, ‘ અત્યારસુધી લેટરલ એન્ટ્રીના માધ્યમથી 63 નિમણૂંક કરવામાં આવી છે, તેમાંથી 35 નિમણૂંક ખાનગી ક્ષેત્રમાં કરવામાં આવી છે. હાલના સમયમાં, મંત્રાલયો અને વિભાગોમાં 57 અધિકારીઓ પદ છે. આરક્ષણના સવાલ પર તેમણે જણાવ્યું કે આ પ્રકારની નિમણૂંક માટે આરક્ષણ લાગુ નથી થતું.

જણાવી દઈએ કે લેટરલ એન્ટ્રી કેન્દ્ર સરકારની યોજનાનો ભાગ છે. અનુભવી પ્રોફેશનલ્સને સરકારમાં સામેલ કરવા માટે આ યોજનાના માધ્યમથી નિમણૂંક કરવામાં આવે છે. આવા અધિકારીઓ સરકારના પોલિસી બનાવવાના અને પોલિસીના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્દ્રના જુદા જુદા મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિયામક, અથવા નાયબ સચિવના પોસ્ટના ક્લાસ-1 અધિકારી હોય છે. સૌથી પહેલા 2018માં કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીના માધ્યમથી સંયુક્ત સચિવ સ્તરે અધિકારીઓની પોસ્ટ માટે 10 પદની જાહેરાત કરી હતી.