નર્મદા પરિક્રમામાં ભકતોનું કીડિયારું ઉભરાયું, શનિ-રવિમાં 1.50 લાખથી વધુ પરિક્રમાવાસીઓ ઊમટ્યાં

પ્રવિણ પટવારી, નર્મદા: નર્મદામાં પંચકોશી પરિક્રમામાં ત્રણ દિવસની રજાઓમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હોય ટ્રાફિક જામ સર્જાયું હતું. શનિ-રવિની રજામાં પંચકોશી પરિક્રમામાં 2 દિવસમાં 1.50 લાખ ભક્તો ઊમટ્યાં હતા. વધુ ભક્તો આવી જવાથી ગોઠવાયેલી સુવિધાઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી અને પબ્લિક વધુ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
એકબાજુ ભક્તોનો ધસારો થતાં સહેરાવ ગામ પાસે બનાવમાં આવેલ કામચલાવ પુલ થોડા ટાઈમ માટે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે 1 કલાકમાં ફરી ચાલુ કરવામાં આવતા ભક્તોમાં ખુશી જોવા મળી હતી. પ્રયાગરાજ જેવો માહોલ નર્મદામાં સર્જાયો હતો. જોકે બાઈકની મદદથી લોકો પરિક્રમાવાસીઓને લઈ જવા લાવવા મદદ પણ કરી હતી.
શનિવારે રાત્રિના અને રવિવારે મળસ્કે સુધી એક જ દિવસમાં 1 લાખ કરતા વધુ પરિક્રમાવાસીઓ આવતા નાવડીઓ પણ ઓછી પડી ગઈ હતી. વાવડી ચોકડીથી રામપુરા ગામ સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, ટ્રાફિક ક્લિયર કરવા માટે પોલીસ આખી રાત કામે લાગી હતી. સવારે 2થી 3 કલાક લાઈનોમાં ઉભા રહેલા પરિક્રમાવાસીઓ 8 કિમી સુધી ચાલીને વાવડી સુધી આવ્યા હતા.
મહાકુંભમાં જે સ્થાનિકોએ સગવડ આપી એવી સગવડ નર્મદા પરિક્રમામાં પણ જોવા મળી. પોલીસ અને સ્થાનિકોએ ટ્રાફિક જામ રહેતાં બાઇક પર બેસાડી વાવડી બસ સ્ટેન્ડ સુધી લાવવામાં મદદ કરી, તો કેટલાક લોકોએ અર્ધી પરિક્રમા કરી જતા રહ્યા. વૃધ્ધો અને પગમાં દુખાવા વાળાને સ્થાનિકોએ મદદ કરી. પોલીસ દ્વારા પણ પોતાની વાનમાં લોકોને 8 કિમી સુધી લાવવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પણ 2 કિમી ચાલતા આવ્યા હતા.