December 22, 2024

સાતમને લઈ શીતળા માતાના મંદિરે મહિલાઓની ભારે ભીડ

શક્તિસિંહ રાજપૂત, અંબાજી: ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ધામમાં અંબા માતાજીના મંદિર સિવાય અનેક ભગવાનના મંદિરો આવેલા છે. ત્યારે આજે શીતળા સાતમ હોવાથી અંબાજીમા વિવિધ સ્થળ પર આવેલા શીતળા માતાજીના મંદિરો ઉપર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તો આ સાથે આજે સવારે મહિલાઓએ શીતળા માતાજીના મંદિર ઉપર જઈ ઠંડુ ભોજન અને નારિયેળ પ્રસાદ દ્વારા પૂજા અર્ચના કરી હતી.

આજે શીતળા સાતમના દિવસે અંબાજીમા આવેલા અલગ અલગ સ્થળે શીતળા માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓ સવારથી જ પૂજા સામગ્રી સહિત ઠંડુ ભોજન લઇ શીતળા માતાના મંદિરે જઈ પૂજા અર્ચના કરી હતી. આજના દિવસે ઘરમા ઠંડુ ભોજન ખાવાની પ્રથા છે. આજના દિવસે ઘરમાં ગેસ ચુલાનો ઉપયોગ કરવામા આવતો નથી. શીતળા સાતમના એક દિવસ પહેલા મહિલાઓ રાતના સમયે ચુલાને વધાવીને બંધ કરી નાખે છે. જે બાદ શીતળા સાતમના બીજા દિવસે સવારે તેની ઉસ્થાપના કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગરમી વઘતા ઝાડા-ઉલ્ટી, હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં વધારો

શીતળા માતા શીતળતા પ્રદાન કરનારી દેવી છે અને અનેક બીમારીઓના નિદાન માટે પણ શીતળા માતાની પૂજા કરવામા આવે છે. આજના દિવસે મહિલાઓ દ્વારા શીતળા માતાનુ વિશેષ પૂજા અર્ચના સાથે વાર્તાઓ પણ સાંભળી માતાજીની આરાધના કરે છે.