May 20, 2024

વલસાડ-ડાંગની લોકસભા બેઠક પર જે જીતે છે, તે પક્ષ કેન્દ્રમાં સરકાર બનાવે છે! જાણો ઇતિહાસ

valsad dang lok sabha election seat winner party will rule over india

ફાઇલ તસવીર

અંકુર પટેલ, વલસાડઃ જિલ્લાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરવામાં આવે છે. કારણ કે, મહાન વ્યક્તિ મોરારજી દેસાઈ, ભારત રત્ન અને ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું જન્મસ્થળ વલસાડ હતું. વલસાડ જિલ્લાનો ભાગ વલસાડી હાફુસ કેરી, અતુલની વિશ્વ વિખ્યાત રાસાયણિક ફેક્ટરીઓ, વાપીની સૌથી મોટી ઔદ્યોગિક એસ્ટેટ, વિખ્યાત વલસાડી સાગી લાકડું માટે પ્રખ્યાત છે. વલસાડ જિલ્લો ગુજરાતની દક્ષિણે આવેલો છે. તેના પશ્ચિમમાં અરબી સમુદ્ર છે.

હવે વાત કરીએ 26 વલસાડ-ડાંગની લોકસભા બેઠકના જાતીય સમીકરણ પર. આ બેઠક બહુલ આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. આદિવાસી સમાજમાં પણ અનેક જાતિઓ આવેલી છે, પરંતુ જેમાં ધોડિયા જ્ઞાતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચોઃ 1951ની લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?

આ બેઠક પર 2022 સુધી જાતીય સમીકરણમાં વધુ મતદારો 4.06 લાખ મતદારો ધોડિયા પટેલ સમાજના છે. ત્યારબાદ કુકણા સમાજના 3.01 લાખ મતદારો છે. ત્યારબાદ વારલી જ્ઞાતિના 2.58 લાખ મતદારો છે. ત્યારબાદ ઓબીસી જ્ઞાતિના 2.17 લાખ મતદારો છે. જનરલ જ્ઞાતિમાંથી 2.06 લાખ મતદારો છે અને કોળી પટેલ જ્ઞાતિના 1.07 લાખ મતદારો છે. ત્યારબાદ નાયકા અને ભીલ જ્ઞાતિના 63,842 મતદારો છે. લઘુમતી મતદારો પણ અહીંયા 63,492ની સંખ્યામાં છે અને હળપતી સમાજના 58,022 મતદારો છે.

બીજી તરફ વાત કરીએ તો પ્રરપ્રાંતીય મતદારોની આ બેઠક પર સંખ્યા 51,196 છે અને આદિમજુથ જ્ઞાતિના 40,375 મતદારો છે. એસસીના 29,324 મતદારો છે. જયારે ઈસાઈ જ્ઞાતિમાંથી 3,944 મતદારો છે. વલસાડ અને ડાંગના કુલ મળીને 18.48 લાખ મતદારો નોંધાયા છે. જેમાં સ્ત્રી મતદારો 9.08 લાખ અને 9.39 લાખ પુરુષ મતદારો છે.

આ પણ વાંચોઃ ગરમી વઘતા ઝાડા-ઉલ્ટી, હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં વધારો

આ લોકસભા બેઠકના ઉમેદવારો વિશે જાણીએ તો કોંગ્રેસ પક્ષે આદિવાસી સમાજનો યુવા ચહેરો ગણતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. અનંત પટેલે પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટ, ભારત માલા પ્રોજેક્ટ, નેશનલ હાઇવે 56માં જમીન સંપાદન પ્રોજેક્ટ તેમજ આંગણવાડી બહેનોની સમસ્યા, શિક્ષણને લગતા અનેક મહત્વના મુદ્દા ઉપર સરકાર પાસે ન્યાયની લડત ચલાવી છે. જેથી કરીને અનંત પટેલ આદિવાસી સમાજનો સૌથી પ્રચલિત અને યુવા ચહેરો બની ગયો છે. આ સાથે તે ચૂંટણી પ્રચારમાં પણ લોકોની સમસ્યા માટે લડશે અને ચૂંટણી પ્રચાર કરશે. જેના કારણે વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર આદિવાસી સમાજના લોકો અનંત પટેલ એક આગવી ઓળખ ધરાવે છે.

અનંત પટેલ તેમજ તેના સમર્થકો અને કોંગ્રેસે પાર્ટીએ આ વખતની 2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે અને કેન્દ્રમાં સરકાર બનાવશે એવું આહ્વાન કર્યું છે. જ્યારે બીજેપીએ મૂળ વાંસદાના ઝરી ગામના શિક્ષિત અને ભાજપ નેશનલ ટ્રાઇબલ આઈટી સેલના હેડ તરીકે કાર્યભાર સભાંળતા એવા ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જે છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ટ્રાઇબલ બેલ્ટ ઉપર ચૂંટણીનું કેમ્પેઇન પણ કર્યું છે. અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર છે કે, હવે વિકસિત ભારત બનશે તેને ધ્યાને જોતા વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પણ વલસાડ વિકસિત કરવાનું બીડું ઝડપ્યું છે.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજની ચીમકી – રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે BJP

વલસાડ બેઠક પર લોકોની સમસ્યાની જો વાત કરવામાં આવે તો આંતરિયાળ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક, પીવાનું પાણી અને સ્થાનિક સ્તરે રોજગાર અને પ્રાથમિક શિક્ષણએ સૌથી મોટી સમસ્યા છે, તો દરિયાઈ પટ્ટી પર સાગર ખેડુઓની કિનારા ધોવાણ તેમજ ડીઝલ સબસીડી, જેટી જેવા અનેક પ્રશ્નો છે. વલસાડ લોકસભા બેઠક પર મોટાભાગના મતદારો ખેતી પર નભે છે. અહીંની મહત્વની ખેતી ડાંગર, શેરડી અને આંબાવાડી એટલે કેરી મુખ્ય ખેતી છે. છેલ્લા 10 વર્ષમાં કુદરતી આફતમાં થયેલા નુકસાનના વળતરનો મુદ્દો પણ આ ચૂંટણીમાં અસરકારક બની શકે છે.

આંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનને લગતી એસટી બસ સહિતની સુવિધાઓનો અભાવ છે, તો બીજી તરફ વલસાડ જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી GIDC પોલ્યુશનને લઇ બદનામ છે. અહીં લોકો GIDCના પોલ્યુશનથી પણ પરેશાન છે. છેલ્લા વર્ષોમાં સમસ્યાના નિરાકરણની જો વાત કરીએ વલસાડ લોકસભા સીટ પર અંતરિયાળ વિસ્તારોમાં રોડ સારા થવાથી લોકોને રાહત મળી છે. શહેરી વિસ્તારોમાં રેલવે ઓવરબ્રિજ પણ મોટા ભાગના બની ગયા છે, જેને લઈ લોકોને હવે રેલવે ફાટકથી રાહત મળી મળી રહી છે.

બીજી તરફ અંતરિયાળ વિસ્તારોમાં જળ સે નલની યોજનાથી અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ થઈ છે, પરંતુ હજુ તેમાં સુધારાની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે પણ મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, તમામ તાલુકામાં સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કોલેજ, આઈટીઆઈ, લાઈબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ છે. રોજગારીને લઈ પણ વાપી GIDC તેમજ મહિલાઓ પશુપાલન ક્ષેત્રે રોજગારી મેળવી રહી છે.

વલસાડ-ડાંગ લોકસભા બેઠકનો ઇતિહાસ

  • 1990થી 1991 વલસાડ બેઠકથી ઉત્તમભાઈ કોંગ્રેસથી ચૂંટણી લડ્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની
  • 1991થી 1996 ઉતમભાઈ પટેલ ફરી કોંગ્રેસમાંથી જીત્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની
  • 1996થી 1997 વલસાડ બેઠક પર ભાજપના મણીભાઈ ચૌધરી જીત્યા અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની
  • 1997થી 2004 વલસાડ બેઠક પરથી ભાજપના મણીભાઈ ચૌધરી ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં ભાજપની સરકાર બની
  • 2004થી 2014 વલસાડ બેઠક કોંગ્રેસના કિસનભાઈ પટેલ ચૂંટણી જીત્યા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની
  • 2014થી 2024 વલસાડ લોકસભા બેઠક પર ડૉ. કેસી પટેલ ભાજપમાંથી જીત્યા અને કેન્દ્રમાં ભાજપની સરકાર રહી

આ રીતે વલસાડ લોકસભા બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે જે પક્ષનો ઉમેદવાર જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠકનું જાતીય સમીકરણ અને કુલ મતદારોની હાલની સંખ્યા ત્યારે આ સમગ્ર આંકડાને ધ્યાને જોતા ભાજપ અને કોંગ્રેસે જ્ઞાતિ આધારે ઉમેદવારોને મેદાન ઉતાર્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, મેં એક જ સમાજ અને એક જ જ્ઞાતિમાંથી આવતા બંને ઉમેદવારો સમાજના મતદારો અને અન્ય સમાજના મતદારોને કઈ રીતે રીઝવશે.