1951 લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર, બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?
વિવેક ચુડાસમા, અમદાવાદઃ ભારતની 18મી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજે વાત કરવી છે આઝાદ ભારતની પહેલી લોકસભા ચૂંટણી એટલે કે સામાન્ય ચૂંટણી વિશે. 1947માં ભારત અને પાકિસ્તાન એમ બે અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. જેમાં ભારતના 365 જેટલાં રજવાડાનું વિલિનીકરણ કરીને ભારત દેશ બન્યો હતો. જેમાં અલગ અલગ 29 રાજ્યોમાં સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદ ભારતની પહેલી લોકસભા ચૂંટણી વર્ષ 1951માં યોજાઈ હતી. ગુજરાતની વાત કરીએ તો, તે સમયે ગુજરાત ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. સૌરાષ્ટ્ર સ્ટેટ, કચ્છ સ્ટેટ અને બોમ્બે સ્ટેટ. હાલના ગુજરાત રાજ્યનો જે નકશો આપણે જોઈએ છીએ તેમાં આ ત્રણેય હવે એક થઈ ગયા છે. વર્ષ 1960માં 1લી મેના દિવસે બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાગ પડ્યાં હતાં. તેમાં ગુજરાત રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બોમ્બે સ્ટેટનો અમુક ભાગ જોડાયો હતો.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજની ચીમકી – રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે BJP
આજના ગુજરાત રાજ્યના નકશા પ્રમાણે તે સમયે જે લોકસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી તે વિશે વાત કરીએ તો, બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ ગુજરાતમાં તે સમયે 9 સીટ કોંગ્રેસ જીત્યું હતું અને 2 સીટ સ્વતંત્ર ઉમેદવાર જીત્યાં હતાં. જ્યારે સૌરાષ્ટ્રમાં 6 લોકસભા બેઠક અને કચ્છમાં 2 લોકસભા બેઠક કોંગ્રેસે જીતી હતી. મજાની વાત એ છે કે, તે સમયે ઘણી સીટના પ્રાંતના નામ પ્રમાણે આપવામાં આવ્યા હતા.
બોમ્બે રાજ્યની 11 સીટ પર શું સ્થિતિ હતી?
- બનાસકાંઠા – ચાવડા અકબર દાલુમિયાં (કોંગ્રેસ)
- સાબરકાંઠા – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
- પંચમહાલ – રૂપાજી ભાવજી પરમાર (કોંગ્રેસ)
- મહેસાણા – શાંતિલાલ ગીરધરલાલ પારેખ (કોંગ્રેસ)
- મહેસાણા પશ્ચિમ – કિલાચંદ તુસલીદાસ (અપક્ષ)
- અમદાવાદ – ગણેશ માવળંકર (કોંગ્રેસ)
- ખેડા ઉત્તર – ડાભી ફુલસિંહજી ભરતસિંહજી (કોંગ્રેસ)
- ખેડા દક્ષિણ – મણિબેન વલ્લભભાઈ પટેલ (કોંગ્રેસ)
- બરોડા પશ્ચિમ – ઇન્દુભાઈ અમીન (અપક્ષ)
- ભરૂચ – ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ (કોંગ્રેસ)
- સુરત – કનૈયાલાલ દેસાઈ (કોંગ્રેસ)
સૌરાષ્ટ્ર રાજ્યની 6 સીટ પર શું સ્થિતિ હતી?
- હાલાર – મેજર જનરલ એમએસ હિંમતસિંહજી (કોંગ્રેસ)
- મધ્ય સૌરાષ્ટ્ર – જોશી જેઠાલાલ હરિક્રિષ્ન (કોંગ્રેસ)
- ઝાલાવાડ – રસિકલાલ પરિખ (કોંગ્રેસ)
- ગોહિલવાડ – બળવંતરાય મહેતા (કોંગ્રેસ)
- ગોહિલવાડ સોરઠ – ચમનલાલ શાહ (કોંગ્રેસ)
- સોરઠ – નરેન્દ્ર નથવાણી (કોંગ્રેસ)
કચ્છ રાજ્યની બે સીટ પર શું સ્થિતિ હતી?
- કચ્છ પૂર્વ – ગુલાબશંકર ધોળકિયા (કોંગ્રેસ)
- કચ્છ પશ્ચિમ – ભવાનજી ખીમજી (કોંગ્રેસ)