November 22, 2024

તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો આ જરૂર વાંચો….

lenses-hero

જેમ ઘરેણાઓમાં મોતી અમુલ્ય છે એવી જ રીતે વ્યક્તિના શરીરમાં પણ કુદરતે આંખ સમાન મોતી આપ્યા છે. આ મોતીની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. આજના યુગમાં વધતા જતા બ્લૂ સક્રિનના વપરાશના કારણે આંખમાં ઓછું દેખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આથી લોકો ચશ્મા અને લેન્સ પહેરતા થયા છે.

ચશ્મા પહેરવાનો એક વર્ગ

ચશ્મા પહેરનારો પણ એક વર્ગ છે. ચશ્મા પહેરવા અને ઉતારવા ખુબ જ સરળ છે. આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. આંખોની ઉપર હોવાને કારણે તે આંતરિક ભાગોને સ્પર્શતું નથી અને આંખ ચેપથી દૂર રહે છે. તમે ઈચ્છો ત્યાં સુધી ચશ્મા પહેરી શકો છો. તેના માટે ખૂબ કાળજી રાખવાની જરૂર નથી. આ જ કારણ છેકે દરેક ઉંમરના લોકો માટે ચશ્મા વધુ સારા હોય છે. તે પછી બાળકો હોય કે વડીલો.lense-on-finger

વર્તમાન સમયમાં ચશ્માની જગ્યાએ લેન્સ પહેરવાનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે. ચશ્મીનની જગ્યાએ સ્ટાઈલિશ દેખાવું લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. હવે તો ચશ્માની ફ્રેમમાં જેવી રીતે અલગ અલગ રંગો મળી જતા હતા. તેવી જ રીતે આંખોના લેન્સમાં પણ તેમને મનગમતા રંગો જોવા મળી જાય છે, પરંતુ આ લેન્સ પહેરવા ચશ્માની જેમ સરળ નથી. એક રિપોર્ટ અનુસાર 2019થી 2025 સુધીમાં દેશમાં કોન્ટેક્ટ લેન્સનો કમ્પાઉન્ડ વાર્ષિક વૃદ્ધિ દર 7.5 ટકા વધી શકે છે. લેન્સ પહેરતા પહેલા કેટલીક કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

કોન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો

* નખ વધારવા નહિ. લાંબા નખ લેન્સ પહેરતી વખતે કીકીને કે લેન્સને નુકશાન કરી શકે છે.

* લેન્સ પહેરતા પહેલા તથા કાઢતી વખતે સાબુથી હાથ ધોવા જરૂરી છે.

* સામાન્ય રીતે લેન્સ વધુમાં વધુ ૧૦ થી ૧૨ કલાક પહેરી શકાય છે. એથી વધારે સમય પહેરવા હોય તો વચ્ચે ૨ થી ૩ કલાક કાઢી નાંખવા.

* લેન્સ પહેરીને સૂઈ જવું નહિ. સૂતા પહેલા અચૂક લેન્સ કાઢી નાંખવા.

* લેન્સ પહેર્યા બાદ ડ્રાઈવીંગ વખતે ગોગલ્સ અથવા સનગ્લાસ પહેરવા જરૂરી છે.

* જે વ્યક્તિની આંખ લાલ થઈ જાય, ચીપડાં આવે કે ચોંટી જાય તેણે લેન્સ પહેરવા નહિ અને તાત્કાલિક આંખના ડોક્ટરને બતાવવું જોઇએ.

* લેન્સ કેસનું સોલ્યુશન દર ત્રીજા દિવસે બદલી નાંખવુ.

* જેમને બે આંખના નંબર જુદા જુદા હોય તેમને લેન્સ બદલાઈ ન જાય તેનુ ધ્યાન રાખવું

* લેન્સ પહેર્યા હોય ત્યારે આંખ મસળવી કે ચોળવી નહિ. મોઢુ ધોતી વખતે આંખ બંધ રાખવી.

* લેન્સ પહેર્યા હોય ત્યારે આંખમાં કોઈ પણ પ્રકારની દવા મૂકવી નહિ.