સમાજનું પ્રતિનિધિત્વ કરે તે સંસ્થાઓએ રાજનીતિમાં દખલગીરી ન કરવી જોઈએઃ જયેશ રાદડિયા
અમદાવાદઃ તાજેતરમાં યોજાયેલી ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. ત્યારબાદ વિરોધનો નવો વંટોળ જામ્યો છે. આ મામલે રાજકોટ-લોધિકા સંઘના ડિરેક્ટર બાબુ નસીત મેદાને આવ્યા છે. બાબુ નસીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવાની માગ કરી છે. ત્યારબાદ જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યુ હતુ કે, લાખો ખેડૂતોને તેમના પર ભરોસો છે.
જયેશ રાદડિયાએ પ્રેસ યોજી હતી. તેમાં જણાવ્યુ હતુ કે, ‘સૌ ખેડૂતોનો મારા પર ભરોસો છે. ત્યારે તમામ ખેડૂતોનો આભાર છે. ઇફ્કોની ચૂંટણી દેશ લેવલની ચૂંટણી હતી. મને મેન્ડેટની જાણ પણ ન હતી. અમે લોકસભાની ચૂંટણીમાં કામે લાગ્યા હતા.’
તેઓ આગળ જણાવે છે કે, ‘રાજકોટ, લોકસભા, જૂનાગઢ, જામનગર, પોરબંદર લોકસભાની ચૂંટણીમાં મેં પાર્ટી માટે કામ કર્યું છે. રાજનીતિમાં સમાજે ક્યાંય વચ્ચે ન આવવું જોઈએ. જે-જે સંસ્થાઓમાં રાજકારણ થાય તેનું પતન થાય છે.’
તેઓ કહે છે કે, ‘નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ હું મંત્રીમંડળમાં હતો. હું પાર્ટીનો કાર્યકર છું અને રહીશ. સમાજનું પ્રતિનિધિત્વ કરે તે સંસ્થાઓએ રાજનીતિમાં દખલગીરી ન કરવી જોઈએ.’
રાજકોટ-લોધિકા સંઘના ડિરેક્ટરે પગલાં લેવાની માગ કરી
આ મામલે રાજકોટ-લોધિકા સંઘના ડિરેક્ટર બાબુ નસીત મેદાને આવ્યા છે. બાબુ નસીતે જયેશ રાદડિયા સામે પગલાં લેવાની માગ કરી છે. તેમણે કહ્યુ છે કે, ‘સહકારી ક્ષેત્રે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆરપાટીલે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી હતી. કોંગ્રેસ ભાજપના ઇલુ ઇલુ વચ્ચે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી હતી. ભૂતકાળમાં તાલુકા બીજેપીનો પ્રમુખ હતો અને શિસ્તભંગ બદલ પગલાં લેવાયા હતા. હવે ઇફ્કો ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ જે લોકોએ કામ કર્યું તેના પર પગલાં લો. પાર્ટીને નુકશાન કરનારા સામે પાર્ટી શિસ્ત ભંગના પગલાં લે. શિસ્તભંગ બદલ તમામ આગેવાનો સામે પાર્ટી પગલાં લે. સહકારી ક્ષેત્રે બીજેપી કોંગ્રેસના ઇલુ ઇલુ વચ્ચે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.’