January 27, 2025

અમેરિકા સહિત દુનિયાભરમાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા લવાશે, વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

India: અમેરિકામા બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે ઘણા મોટા નિર્ણય લીધા છે. જેને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, ભારત હંમેશા ગેરકાયદે ઇમિગ્રેશનની વિરુદ્ધ રહ્યું છે. જો કોઈ ભારતીય નાગરિક ગેરકાયદે દસ્તાવેજોની મદદથી માત્ર અમેરિકા જ નહીં, વિશ્વના કોઈપણ દેશમાં ગયો હોય તો અમે તેમને પાછા લેવા માટે હંમેશા તૈયાર છીએ. મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે ભારત માને છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન એક પ્રકારનો સંગઠિત ગુનો છે.

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વિશ્વાસની લાગણી છે. બંને પક્ષોની સરકારોનો હેતુ આ સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતીયોને યુએસ વિઝા મેળવવામાં સમય લાગી રહ્યો છે, તેમણે કહ્યું કે ભારત સરકારે આ મુદ્દો સતત યુએસ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે.

પ્રવક્તાએ કહ્યું કે જો વિઝા આપવામાં સરળતા આવશે તો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ટેરિફના મુદ્દા પર પ્રવક્તાએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ સારા છે, અમારી વચ્ચે સારો વેપાર છે. બંને દેશો વચ્ચે સંબંધિત હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થાય છે. આ ઉપરાંત, પ્રવક્તા રણધીર જયસ્વાલે વિવિધ મુદ્દાઓ પર વાત કરી.

આ પણ વાંચો: 5 દિવસ ભયંકર કોલ્ડવેવને લઈ એલર્ટ, દિલ્હી-NCRમાં વરસાદની આગાહી

પાકિસ્તાને સરહદ પારનો આતંકવાદ બંધ કરવો જોઈએ
પાકિસ્તાનના પ્રતિનિધિમંડળની બાંગ્લાદેશ મુલાકાત અંગે તેમણે કહ્યું કે અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તમામ મુદ્દાઓ પર નજીકથી નજર રાખે છે. તેમણે વધુમાં કહ્યું કે આખી દુનિયા જાણે છે કે આતંકવાદને કોણ પ્રોત્સાહન આપે છે? સરહદ પારના આતંકવાદને કોણ પ્રોત્સાહન આપે છે? તેમણે કહ્યું કે પાકિસ્તાને સરહદ પારના આતંકવાદને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ.