November 22, 2024

ગેરકાયદેસર લાઈવ સ્ટ્રીમિંગ કેસ: દેશભરમાં EDની રેડ, કરોડોના ક્રિપ્ટો કરન્સીના વ્યવહારો મળ્યા

મિહિર સોની, અમદાવાદ: મેજિકવીન એપ્લિકેશનથી ગેરકાયદેસર લાઈવ સ્ટ્રીમિંગ કેસમાં સાઇબર ક્રાઈમ અને EDએ મોટી કાર્યવાહી કરી છે. બંને એજન્સીઓની સંયુક્ત રાષ્ટ્ર વ્યાપી કાર્યવાહી દરમ્યાન પાકિસ્તાન, કેનેડા અને દુબઈ કનેક્શન સામે આવ્યું છે. જેને લઇને EDએ દેશના અલગ અલગ 20 જગ્યાઓ પર પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરિંગ એકટ હેઠળ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 12 કરોડ રૂપિયાના ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર પણ મળી આવ્યા છે.

મેજીકવીન એપ્લિકેશન દ્વારા સટ્ટો રમનાર સટોડીયાઓને જે પ્લેટફોર્મ મારફતે નાણાકીય વ્યવહાર કરવામાં આવતા હતા તે ગેટવે એગ્રીગેટર મર્ચન્ટ પણ ડમી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પાકિસ્તાનથી થતું ગેરકાયદેસર સ્ટ્રીમિંગ ભારતમાં દેખાય તે માટે ઊંઝાના 2 વેબ ડેવલોપરો સર્વર સેટઅપ કરતા હોવાનો તપાસમાં ખુલ્યું છે.

સાઇબર ક્રાઇમ એ અત્યાર સુધીમાં આ સમગ્ર કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં દિવ્યાંશું પટેલ જે સર્વર સેટ અપ કરતો હતો, આકાશ ગિરિ જે ગ્રાહકો શોધીને મેજિક વીનમાં એકાઉન્ટ બનાવતી હતો. આ ઉપરાંત યશ ચોકસી જે બંધન બેન્ક નો કર્મચારી છે તે વિવિધ ગ્રાહકોના ડમી એકાઉન્ટ બનાવી તેનો ઉપયોગ કરવા માટે OTP દુબઈ આપતો હતો. તેમજ શાહઆલમ અનીસ અલી ની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.