September 20, 2024

અમદાવાદ: શારીરિક સંબંધ માટે વારંવાર દબાણ કરનાર નણદોયને મહિલાએ પતાવી નાંખ્યો

મિહિર સોની, અમદાવાદ: દાણીલીમડામાં પ્રેમીનાં અત્યાચારથી કંટાળીને પ્રેમિકાએ પ્રેમીની ઘાતકી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમી દ્વારા શારીરિક સંબંધ માટે દબાણ કરતાં આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સંબંધમાં નણદોઈ થતા એવા મૃતકથી માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ હત્યાને અંજામ આપ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મહિલા નામે સબાના ખાતુન રફીક શા એ પોતાના પ્રેમી હૈદર શાની ઘાતકી હત્યા કરી છે. પ્રેમી હૈદર દ્વારા શારીરિક શોષણથી કંટાળીને હત્યાને અંજામ આપ્યો હતો. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં એવન નગરમાં વહેલી સવારે 5 વાગ્યે મૃતક હૈદર શા આરોપી સબાનાં ખાતુંનનાં ઘરે પહોચ્યો હતો. અને શારીરિક સંબંધ માટે દબાણ કરી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતા મહિલાએ ઘરમાં રાખેલ ધોકાથી મૃતકના માથા પર ફટકા માર્યા હતાં અને ડિસમિસથી હુમલો કરી હત્યા કરી હતી. બે સંતાનોની માતાએ પ્રેમીની વિકૃત માનસિકતાથી કંટાળી હત્યા કરતાં સનસનાટી મચી હતી. દાણીલીમડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: અમદાવાદ: રૂપિયા 5 હજારની ઉઘરાણી માટે વ્યાજખોરે રિક્ષાચાલકને પતાવી નાંખ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સબાના ખાતુંન અને હૈદર શા વચ્ચે દોઢ વર્ષથી અનૈતિક સબંધ હતા. મૃતક હૈદર શા આરોપી મહિલાનો સંબંધમાં નણદોઈ થતો હતો. આરોપી મહિલા સબાના ખાતુંન મૂળ યુપીનાં ગોરખપુરની રહેવાસી છે તેના પ્રથમ લગ્ન મૃતકના સાળા સાથે થયા હતા. દોઢ વર્ષ પહેલાં મૃતક હૈદરની પત્ની બીમાર થતાં આરોપી મહિલાને યુપીથી અમદાવાદ સારસંભાળ માટે લાવ્યો હતો. આ દરમિયાન હૈદર અને સબાના ખાતુંન વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા, જેની જાણ તેના પ્રથમ પતિને થતા છૂટાછેડા આપી દીધા હતા. જેથી હૈદરએ પ્રેમિકાને સાચવવા માટે અમદાવાદમાં બીજું ઘર રાખ્યું હતું. પરંતુ આરોપી સબાનાએ મૃતકને લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું.પરિણીત હોવાના કારણે મૃતકએ લગ્ન ના કર્યા પરંતુ પ્રેમિકાના બિલાલ નામના અન્ય યુવક સાથે 10 મહિના પહેલા લગ્ન કરાવી દીધા હતા. ત્યાર બાદથી મૃતક પોતાની પ્રેમિકા સાથે અવારનવાર શારીરિક સંબંધ રાખવા બળજબરી કરતો હતો. જેનાથી કંટાળીને મહિલાએ પ્રેમીની હત્યા કરી દીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ ઘટના બાદ દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સબાનાની ધરપકડ કરી છે અને હત્યા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.