June 26, 2024

કાગડાપીઠમાં સોનાની થયેલી લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારના ગીતા મંદિર નજીક શનિવારના રોજ થયેલ એક કિલો સોનાના દાગીનાની લૂંટનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે લૂંટની જાહેરાત કરનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. જવેલર્સમાં કામ કરતાં ધરમ ઠક્કરે જ લૂંટનું તરકટ રચ્યું હતું. આ કેસમાં આરોપી ધરમ ઠકકરે પોલીસ પુત્ર મિત્રને પણ આ લૂંટના ગુનામાં સામેલ કર્યો હતો. શનિવાર બપોરે ધરમ ઠક્કરે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ કર્યો કે તેને કેટલાક શખ્સોએ માર મારી તેની સાથે લૂંટ કરી છે. ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળના CCTV ફૂટેજ જોતા જ ફરિયાદી ધરમ ઠકકર પોલીસની શંકા ઘેરાયો હતો. લૂંટ થઇ તેવા પુરાવા ન મળતા પોલીસ CCTV તપાસ કરતા ફરિયાદી ભાંડો ફૂટ્યો હતો. જેમાં ધરમ ઠકકરે લૂંટ કરવા માટે પોલીસ પુત્ર કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલ સાથે રાખી ખોટી લૂંટ કિસ્સો ઉભો કર્યો હતો. જેમાં પોલીસે ત્રણેય ધરપકડ કરી રૂ 85 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: SAY NO TO DRUGS: વડોદરા શહેર SOG દ્વારા વિવિધ જગ્યાએ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

આરોપી ધરમ ઠક્કર જમાલપુર અશરફ જ્વેલર્સમાં છેલ્લા એક વર્ષથી કામ કરતો હતો અને વાસણા વિસ્તારમાં રહે છે. આરોપી ધરમ અને તેના મિત્ર કેશવ અને હર્ષ કોલેજમાં સાથે ભણતા હતા. ધરમ દ્વારા એક મહિના પેહલા જ આ લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો, જયારે તે ફોન કરે ત્યારે આવી જવું તેમ કહી આ લૂંટનો પ્લાન ઘડ્યો. શનિવારના રોજ પોલીસ પુત્ર કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલને ધરમ ઠકકરે બોલાવ્યા અને લૂંટ થયાનું નાટક રચ્યું હતું. પોલીસની તપાસમાં લૂંટનું નાટક ન ચાલ્યું. આરોપી કેશવ ત્રિપાઠીના પિતા અમદાવાદમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. મુખ્ય આરોપી અને જવેલર્સ કર્મચારી ધરમ ઠક્કર દ્વારા હર્ષ અને કેશવને લૂંટની રકમ પણ કહેવામાં નહોતી આવી. માત્ર એક એક લાખ રૂપિયા મળશે તેવું કહી બંનેને લૂંટના નાટકમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ આરોપી ધરમે તેના મિત્રને કહ્યું હતું કે હું કોઈ ફરિયાદ નહીં થવા દઉં ચિંતા ના કર તેમ કહીને બે મિત્રોને લૂંટ કરવા તૈયાર કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પોરબંદર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે, કોલેજમાં ભણતા અને મોજ શોખ માટે ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવા માટે લૂંટનું તરકટ રહ્યું હતું. પોલીસ પુત્ર પણ પૈસાની ઘેલછામાં મિત્ર સાથે લૂંટમાં સામલે થઇ ગયો. હાલતો પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.