November 22, 2024

સારા વળતરની લાલચમાં શખ્સને લાગ્યો 50 લાખનો ચૂનો, 3 આરોપીઓની અટકાયત

અમિત રૂપાપરા, સુરત: શોર્ટકટથી પૈસા કમાવાની લાલચમાં ઘણી વખત લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે. ત્યારે વર્તમાન સમયમાં ટેકનોલોજીના આ યુગમાં લોકો અલગ અલગ વેબસાઈટ પરથી કે પછી અલગ અલગ ટ્રેડિંગમાં રોકાણ કરીને સારું વળતર મેળવવાની લાલચ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. અલગ અલગ પ્રકારના ટ્રેડિંગમાં રોકાણ કરી સારું વળતર મળશે તેવી લાલચ સુરતના એક વ્યક્તિને રાખવી ભારે પડી.

આ વ્યક્તિએ સારું વળતર મેળવવાની લાલચમાં 50,79,200 ગુમાવ્યા અને આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને ઝડપી પાડ્યા. આ આરોપીના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રહેલા 10 લાખ રૂપિયા પણ પોલીસે ફ્રીઝ કરાવ્યા છે. આ સાઇબર ફ્રોડ બેન્ક એકાઉન્ટ ભાડે આપવાની પેટર્નના આધારે સમગ્ર દેશમાં થઈ રહ્યા છે અને મુખ્ય આરોપીઓના બદલે માત્ર બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા લોકો બની રહ્યા છે પોલીસના ચોપડે આરોપી.

શેર બજારમાં સારૂ વળતર મળશે તેવી લાલચે સુરતના અનેક લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે ગોલ્ડ ટ્રેડિંગમાં સારું વળતર મેળવવાની લાલચે સુરતના એક વ્યક્તિએ 50 લાખ કરતા વધુની રકમ ગુમાવી છે અને અંતે આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી તેમના અલગ અલગ બેંક ખાતામાં રહેલા 10 લાખ રૂપિયા ફ્રીજ કર્યા છે.

સુરતના એક વ્યક્તિ દ્વારા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કે 20-06-2024થી આરોપીઓ દ્વારા ફરિયાદીના Whatsapp પર મેસેજ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવું જણાવ્યું હતું. જેથી ભોગ બનનાર વ્યક્તિ ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે છેતરપિંડી કરનારાઓની વાતમાં આવી રહ્યા હતા અને ત્યારબાદ આ ઈસમો દ્વારા Whatsapp પર ફરિયાદીને m.cggcwok.com નામની વેબસાઈટની એક લિંક મોકલવામાં આવી હતી અને ત્યારબાદ આ વેબસાઈટમાં ફરિયાદી પાસે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને વેબસાઈટમાં રજીસ્ટ્રેશન બાદ CGGC નામની એક એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરાવવામાં આવી હતી.

ત્યારબાદ, ફરિયાદી સાથે વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ છે દિત્યા શર્મા જણાવવામાં આવ્યું હતું. દિત્યા શર્માના કહેવા મુજબ ફરિયાદીએ એપ્લિકેશનના કસ્ટમર કેરના સપોર્ટમાંથી આપવામાં આવેલ બેન્ક એકાઉન્ટમાં 62 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને દીત્યા શર્મા દ્વારા આપવામાં આવેલ ટિપ્સ મુજબ ફરિયાદી ગોલ્ડ ટ્રેડિંગ કરતા હતા અને ત્યારબાદ આ એપ્લિકેશનમાંથી તેમને પ્રોફિટ થતા ટુકડે ટુકડે 11,60,800 હજાર રૂપિયા વિદ્રોલ કરી લીધા હતા અને ત્યારબાદ આ ઈસમો દ્વારા ફરિયાદીને વધુ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવવામાં આવ્યું હતું અને રૂપિયા વિદ્રોલ કરવા માટે 30 ટકા ટેક્સ ભરવાનું જણાવ્યું અને ત્યારબાદ ફરિયાદીને પૈસા આ એકાઉન્ટમાંથી ઉપાડવા દેતા ન હતા. 50,79,200 રૂપિયા આરોપીઓએ ફરિયાદીને વિદ્રોલ ન કરવા દેતા આ સમગ્ર મામલે તેમને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો.

આ ગુનામાં સાઇબર ક્રાઇમ પોલીસે નિલેશ ભાલાળા દિવ્યાંક મિયાણી અને પ્રતુલ લાખાણીની ધરપકડ કરી છે. આરોપીઓની ભૂમિકાની વાત કરવામાં આવે તો આરોપી નિલેશ ભાલાળા દ્વારા પોતાનું બંધન બેન્ક તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું બેન્ક એકાઉન્ટ 15%ના કમિશન ઉપર આરોપી દિવ્યાંક મિયાણીને ઉપયોગ કરવા માટે આપ્યુ હતું અને આ બેંક એકાઉન્ટ આપવા બદલ નિલેશને 45,000નું કમિશન મળ્યું હતું. આરોપી નિલેશના બેન્ક એકાઉન્ટ ઉપર ગુજરાત અને તેલંગાણામાં એક એક ફરિયાદો નોંધાય છે અને આરોપીના બંધન બેન્કના એકાઉન્ટમાં ફરિયાદીના 10 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા અને આ બેંક એકાઉન્ટમાં 21-06-2024 થી 06-07-2024 સુધીમાં 25,11,719 ના ટ્રાન્જેક્શન થયા છે.

આરોપી દિવ્યાંક મિયાણી અને પ્રતુલ લાખાણીની ભૂમિકાની વાત કરવામાં આવે તો દિવ્યાંક ઓનલાઈન વેપાર સાથે સંકળાયેલો છે અને સુરતના ડભોલી રોડ ખાતે આવેલ ન્યાલકરણ બંગ્લોઝમાં રહે છે. આરોપી પ્રતુલ લાખાણી દવા સપ્લાયરનો ધંધો કરે છે અને ડભોલી રોડ અયોધ્યા સોસાયટીનો રહેવાસી છે. આરોપી દિવ્યાંક અને તેની સાથે રહેલા પ્રતુલ લાખાણી એ નિલેશ ભાલાળાના બંને બેંકના એકાઉન્ટ વોન્ટેડ આરોપી અંકિત મકાણીને આપ્યા હતા અને તેની પાસેથી 4.5 ટકા કમિશન પેટે 45 હજાર રૂપિયા મેળવ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંક મિયાણી 03-08-2024ના રોજ હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એરેસ્ટ પણ થઈ ચૂક્યો છે.

ઉલ્લેખની એ છે કે આ પ્રકારના સાઇબર ફ્રોડ સમગ્ર દેશમાં ચાલી રહ્યા છે અને મુખ્ય આરોપી પોલીસના હાથે ન પકડાય એટલા માટે બેન્ક એકાઉન્ટના બદલામાં કમિશન આપવાની લાલચે બેંક અકાઉન્ટ ધારકો પાસેથી તેમના બેન્ક એકાઉન્ટ મેળવે છે. ત્યારબાદ લોકો સાથે ફ્રોડ કરેલી રકમ આ જ બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે અને જ્યારે આ બાબતે ગુનો દાખલ થાય છે ત્યારે બેન્ક એકાઉન્ટ હોલ્ડર સામે પોલીસ કાર્યવાહી કરે છે અને સામાન્ય એવા કમિશનની લાલચમાં એકાઉન્ટ હોલ્ડરને જેલમાં જવાનો વારો આવે છે.