પોક્સો કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી
જયેશ ચૌહાણ, અમદાવાદ: અમદાવાદમાં દિવ્યાંગ પરિણીત પુરુષે દિવ્યાંગ સગીરાને લગ્નની લાલચ આપી હોટેલો અને ઘરે વારંવાર દુષ્કર્મ આચરી, અંગત પળોનું શૂટિંગ ઉતારી વાયરલ કરવાની ધમકી આપવા બદલ અમદાવાદની સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે.
‘ઈન્સ્ટાગ્રામથી શરૂ થયેલી વાત હોટેલ રૂમ સુધી પહોંચી’
અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી કે બોલી શકતા નથી) છે અને ઈન્સ્ટાગ્રામથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જે બાદમાં એકબીજાના નંબર આપ લે થયા હતા અને ત્યારબાદ વારંવાર બન્ને મળતા પણ હતા. આરોપી પરિણીત હોવાથી પત્નીને છૂટ્ટાછેડા આપી દેવાની અને સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપતો હતો. આરોપી ભોગ બનનાર સગીરાને અનેકવાર હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં સગીરા સાથે સબંધ બાંધ્યા હતા અને મોબાઈલમાં તેનું શૂટિંગ પણ કર્યું હતું સાથે કોઈને ન બતાવવાની પણ વાત કરી હતી.
“સગીરાને ઘરે લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું”
29 ઓગસ્ટ 2021ના રાત્રીના સમયે આરોપી સગીરાને પોતાના વટવા ખાતેના ઘરે લઈ ગયો હતો. જ્યાં પોતાની પત્નીને છૂટ્ટાછેડા આપી દેશે અને સગીરા સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપી સગીરાને વિશ્વાસમાં લઈ 2 વખત મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની જાણ સગીરાએ પોતાની માતાને કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો: One Nation One Electionને કેબિનેટમાં મંજૂરી બાદ રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરી આપી માહિતી
“ગુનો બન્યાને 3 વર્ષમાં જ સ્પેશિયલ કોર્ટે સંભળાવી સજા”
પોક્સો જેવા સંવેદનશીલ કેસમાં પોલીસ અને કોર્ટની ઝડપી કાર્યવાહીથી અનેક કેસોમાં ઓછા સમયગાળામાં આરોપીને સજા સંભળાવવામાં આવે છે ત્યારે પ્રસ્તુત કેસમાં પણ અમદાવાદ પોલીસ દ્વારા 29 ઓગસ્ટ 2021ના રોજ બનેલી ઘટનામાં 30 તારીખના જ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી 2 મહિનામાં ચાર્જશીટ કરી દેવામાં આવી હતી અને આજે સ્પેશિયલ પૉક્સો કોર્ટે પણ 15 સાક્ષીઓની જુબાની અને 35 દસ્તાવેજી પુરાવાઓ ચકાસ્યા બાદ ગુનો બન્યાના 3 વર્ષમાં જ આરોપીને 20 વર્ષની જેલ અને રૂ.1 લાખના દંડની સજા સંભળાવી છે.
“એટ્રોસીટીનો ગુનો ન બનતો હોવાનું કોર્ટનું અવલોકન”
પ્રસ્તુત કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે એટ્રોસીટી એક્ટની પણ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો ત્યારે દલીલોના અંતે કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપી જાણતો હતો કે ભોગ બનનાર સગીરા અનુસૂચિત જાતિની છે અને સગીરા સાથે જાતિના લીધે અપમાનિત કરવાના ઇરાદે ગુનો કર્યાનું દેખાતું નથી. ફરિયાદી અનુસૂચિત જાતિના સભ્ય હોવાથી આક્ષેપિત ગુનો સાબિત થયાનુ ન મનાય.