September 19, 2024

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લંગ્સ એલર્જી ક્લિનિકનો શુભારંભ

અમિત રૂપાપરા, સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લંગ્સ એલર્જી ક્લિનિકનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે લંગ્સ એલર્જી ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ ક્લિનિક શરૂ થતા હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો જે કોઈના કોઈ એલર્જીથી પીડાઈ રહ્યા છે તેમને પોતાની એલર્જીનું સચોટ નિદાન મળશે અને તેઓ એલર્જીની સારવાર કોઈ પણ ખર્ચ વગર કરાવી શકશે.

લોકોને ઘણી વખત તમે એવું કહેતા સાંભળ્યા હશે કે મને ધૂળની એલર્જી છે, મને કલર કે પછી અન્ય કોઈ વસ્તુની એલર્જી છે. આ એલર્જી સાથે ઘણા વ્યક્તિઓએ પોતાનું આખુ જીવન વિતાવી નાખ્યું હોય છે પરંતુ તેઓને આ એલર્જીની કઈ દવા લેવી તેનું નિદાન મળતું ન હોવાથી તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લંગ્સ એલર્જી ટેસ્ટ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાના કારણે દર્દીઓને કયા પ્રકારની એલર્જી છે અને તેનું શું નિદાન છે તે જાણી શકાય છે અને નવી સિવિલ હોસ્પિટલમાં જ આ ફેસિલિટી હોવાના કારણે વિના મૂલ્ય દર્દીની એલર્જીનો ઈલાજ થઈ શકશે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલના હસ્તે લંગ્સ એલર્જી ટેસ્ટ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાં નવી સુવિધા ઉભી કરવામાં આવી છે તે બદલ હોસ્પિટલના ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.

મહત્વની વાત છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે. કેટલાક દર્દી તો મહારાષ્ટ્રથી પણ સારવાર કરાવવા માટે આ હોસ્પિટલમાં આવી રહ્યા છે. ત્યારે લાખો રૂપિયામાં થતા ઓપરેશનો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકદમ વિના મૂલ્ય થયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે લંગ્સ એલર્જી ટેસ્ટ ક્લિનિક શરૂ થવાથી હવે એલર્જીથી પીડાઈ રહેલા લોકો પણ હવે પોતાની બીમારીમાંથી કોઈ પણ પ્રકારના ખર્ચ વગર મુક્તિ મેળવી શકશે. આ ક્લિનિકની મદદથી જાણી શકાશે કે વ્યક્તિને કયા પ્રકારની એલર્જી છે અને તેનો શું ઈલાજ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થવાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ એવા દર્દી કે જે કોઈના કોઈ એલર્જીથી પીડાઈ રહ્યા છે તેમની બીમારીનું નિદાન હવે આ સુવિધાના કારણે થશે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ ક્લિનિક અને સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.