November 22, 2024

ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું, બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગનો વિજય

Paris Olympics 2024 Day 4: હોકીમાં ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું છે. ભારત ગ્રુપ બીમાં અત્યાર સુધી અજેય રહ્યું છે અને 7 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં ટોપ પર પહોંચી ગયું છે. જો આર્જેન્ટીના આજે તેની ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવશે તો ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી જશે. તીરંદાજીના મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32 મેચમાં ભજન કૌરે પોલેન્ડની વિઓઝેરા મેઝોરને સીધા સેટમાં 28-23, 29-26, 28-22થી પરાજય આપ્યો હતો.

ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેડ્ડીની ટીમે બેડમિન્ટન મેન્સ ડબલ્સ સ્પર્ધામાં 2-0થી એકતરફી જીત નોંધાવી છે. તેઓ વિશ્વમાં ચોથા ક્રમે રહેલી ઈન્ડોનેશિયાની ટીમને હરાવીને તેમના ગ્રુપમાં ટોચ પર રહ્યા હતા. ચિરાગ-સાત્વિકે આ મેચ સીધા સેટમાં 21-13, 21-13થી જીતી હતી. મેન્સ ડબલ્સ બેડમિન્ટન સ્પર્ધામાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેડ્ડીની જોડીએ ઈન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મોહમ્મદ રિયાન એડ્રિયાન્ટોને પ્રથમ સેટમાં 21-13થી પરાજય આપ્યો હતો. આ બંને ટીમો પહેલા જ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે, પરંતુ વિજેતા ટીમ આ ગ્રુપમાં ટોચ પર રહેશે.