June 24, 2024

Ricky Ponting-Justin Langerને મુખ્ય કોચ બનવાની ઓફર? જય શાહનો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ પૂરો થવાનો છે. ત્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને બદલવામાં આવશે. બીસીસીઆઈએ તાજેતરમાં આ પદ માટે અરજીઓ મગાવી હતી. આ દરમિયાન ઘણાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, BCCIએ રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગરને મુખ્ય કોચ બનવાની ઓફર કરી હતી. જો કે, હવે આ અહેવાલોને BCCI સેક્રેટરી જય શાહે ફગાવી દીધા છે. તેમણે કહ્યુ છે કે, બોર્ડે ઓસ્ટ્રેલિયાના કોઈપણ પૂર્વ ક્રિકેટરને કોચિંગ માટે કોઈ ઓફર કરી નથી. આ સિવાય તેમણે કહ્યું કે, BCCI એવાં દિગ્ગજ ખેલાડીઓની શોધ કરી રહી છે કે જેમને ઘરેલુ ક્રિકેટની સારી સમજ હોય.

શાહે કહ્યુ કે, ‘મેં કે બીસીસીઆઈએ કોઈપણ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીનો સંપર્ક કર્યો નથી. કેટલીક મીડિયા ચેનલોમાં ફરતા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.’ પોન્ટિંગ અને લેંગર બંને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અનુક્રમે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના મુખ્ય કોચ તરીકે સામેલ છે.

આ પણ વાંચોઃ સુરતમાં બોગસ બીલિંગ કૌભાંડ, 100 કરોડનો ગોટાળો હોવાની શક્યતા

શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણી રાષ્ટ્રીય ટીમ માટે યોગ્ય કોચ શોધવો એ એક સાવચેતીભરી અને સંપૂર્ણ પ્રક્રિયા છે. અમે એવી વ્યક્તિઓને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે જેમને ભારતીય ક્રિકેટ માળખાની ઊંડી સમજ હોય ​​અને રેન્કમાં આગળ વધ્યા હોય.’ બીસીસીઆઈ સેક્રેટરીએ એ પણ ખુલાસો કર્યો કે, ભારતીય સ્થાનિક ક્રિકેટની સમજ હોવી એ આગામી કોચની નિમણૂક માટે એક મહત્વપૂર્ણ માપદંડ હશે. તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાને આગલા સ્તર પર લઈ જવા માટે આ સમજ મહત્વની રહેશે.