October 5, 2024

UAEના BAPS મંદિરમાં આંતરધર્મ કાર્યક્રમ ‘ઓમ્સિય્યત’ની ઉજવણી

અમદાવાદ: સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબૂ ધાબીમાં બનેલા પહેલા BAPS મંદિર કોઈને કોઈ કારણોને લીધે ચર્ચાઓમાં રહે છે. જ્યાં એક મહિનાની અંદર લાખોની સંખ્યામાં દર્શન કરવા શ્રદ્ધાળુંઓ પહોંચે છે. ત્યારે હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ ખાસ મહિનાને લઈને એક અંતરધાર્મિક સંસ્કૃતિક સંધ્યાનો કાર્યક્રમ યોજાયો છે. ઓમ્સિય્યત નામના આ કાર્યક્રમમાં મુસ્લિમ લોકોની સાથે અન્ય ધર્મના લોકો સહિત 200 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વામી બ્રહ્મવિહારિદાસની સાથે સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વ મામલાના મંત્રી શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિદેશ વ્યાપારના રાજ્ય મંત્રી ડૉ. થાની બિન અહમદ અલ જેયૌદી અને સામુદાયિક વિકાસ વિભાગના અધ્યક્ષ ડૉ. મુગીર ખામિસ અલ ખૈલી સહિત ઘણા સેલેબ્રિટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

2 એપ્રિલના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ધાર્મિક સમુદાયના આગેવાનો પણ હાજર રહ્યા હતા. અબ્રાહમિક ફેમિલી હાઉસના રબ્બી જેફ બર્જર, રબ્બી લેવી ડચમેન, ચર્ચ ઓફ સાઉથ ઈન્ડિયા પેરિશના ફાધર લાલજી અને બાહ એઈ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અબ્રાહમિક ફેમિલી હાઉસના રબ્બી જેફ બર્જરે કહ્યું, “વિવિધતામાં એકતા માત્ર એક સિદ્ધાંત નથી તે એક પ્રથા છે.” આ આજે રાત્રે અહીં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સમજણ અને આદર તરફની અમારી સહિયારી યાત્રાનું પ્રતીક છે.

આ પણ વાંચો: રૂ. 126 કરોડનો બંગલો, રૂ. 278 કરોડની માલિક છે હેમા માલિની…

મંદિર લોકો માટે આશા લાવે છે
જ્યારે શેખ નાહ્યાને BAPS હિંદુ મંદિરની અસર પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ‘જ્યારે વિશ્વને અલગતાવાદ, અવિશ્વાસ, અસહિષ્ણુતા અને સંઘર્ષોથી ભય છે, ત્યારે આ મંદિર લોકોને આશા આપે છે. હું આ આંતરધર્મ કાર્યક્રમ માટે BAPS હિંદુ મંદિરની પ્રશંસા કરું છું. સમગ્ર માનવજાતના ભલા માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રેખાઓમાં સાથે મળીને કામ કરવાનો હિંદુ મંદિરનો દ્ઢ સંકલ્પ ખરેખર પ્રશંસનીય છે.’

મંદિરના સ્વયંસેવકોએ ભોજન તૈયાર કર્યું
BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સમાપન શાકાહારી ‘સુહૂર’ સાથે થયું હતું. જેમાં મંદિરના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવેલ અરબી અને ભારતીય ખોરાકનો સમાવેશ થતો હતો.