July 6, 2024

સિડનીમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન, 10 ફિલ્મો શ્રેષ્ઠ પસંદ થઈ

International Gujarati Film Festival: ગુજરાતીઓની સાથે સાથે હવે ગુજરાતી ફિલ્મોનો પણ વિશ્વભરમાં દબદબો વધતો જાય છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાના સિડનીના ઓપેરા હાઉસમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 યોજાયો હતો. વૈશ્વિક સ્તરે IGFFએ એક અનોખી ઓળખ બનાવી છે. આ ફેસ્ટિવલને દર વર્ષે દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે.

નોંધનીય છે કે અગાઉ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ અમેરિકાના 4 સ્થળોએ યોજાયો હતો. અગાઉ વર્ષ 2018 આ ફેસ્ટિવલનું આયોજન અમેરિકાના ન્યૂજર્સીમાં 2019માં પણ અમેરિકાના લોસ એન્જલસમાં, આ પછી બે વર્ષ બાદ વર્ષ 2022માં એટલાન્ટામાં અને વર્ષ 2023માં શિકાગો ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

10 ફિલ્મો શ્રેષ્ઠ પસંદ
IGFF-2024માં 10 ફિલ્મો વર્ષ 2023-24ની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી પામી હતી. જેમાં બચુભાઈ, જમકુડી, વાર તેહવાર, લોચા લાપસી, બિલ્ડર બોયઝ, ફાટી ને, કસૂમ્બુ, વેનીલા આઈસક્રીમ, ઇટ્ટા કિટ્ટા , હુ એને તુ, સમંદર ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત IGFFની 2024ની સિઝન માટે જ્યુરી મેમ્બર્સમાં અભિનેત્રી ગોપી દેસાઈ, લેખક જય વસાવડા, સ્ટોર્મ એશવુડ, ફેસ્ટિવલના સ્થાપક કૌશલ આચાર્ય હાજર રહ્યાં હતા.

ઓસ્ટ્રેલિયાના સિડનીના ઓપેરા હાઉસમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF)ની 5મી આવૃત્તિ 28 થી 30 જૂન, 2024 દરમિયાન યોજાઈ હતી. 29 અને 30 જૂને ઓફિશિયલ પસંદ થયેલી ગુજરાતી ફિલ્મોનું સ્ક્રિનિંગ થયું હતું. જેમાં ‘લાસ્ટ ફિલ્મ શો’ના પાન નલિન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ-2024 માટે 11 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. જેમાં, બચુભાઈ, બિલ્ડર બોયઝ, ફાટી ને?, હું એને તું, ઇટ્ટા કિટ્ટા, ઝમકુડી, કસૂંબો, લોચા લાપસી, સમંદર, વાર તેહવાર, વેનીલા આઈસક્રીમ જેવી ફિલ્મો સામેલ છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર્સ અને ડાયરેક્ટર્સ આ ફેસ્ટિવલમાં આકર્ષણ જમાવ્યુ હતું. સિદ્ધાર્થ રાંદેરિયા, પાન નલિન, હિતુ કનોડિયા, ઉમેશ શુક્લ, જય વસાવડા, દેવેન ભોજાણી, મલ્હાર ઠાકર, રોનક કામદાર, વિરાજ ઘેલાણી, ગોપી દેસાઈ, માનસી પારેખ, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર, પૂજા જોષી અને કિંજલ રાજપ્રિયા સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો અને અગ્રણીઓ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

સિડની ઓપેરા હાઉસ ખાતે IGFFની ઓપેનિંગમાં રેડ-કાર્પેટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડ-કાર્પેટ ઇવેન્ટમાં મલ્હાર ઠાકર, રૌનક કામદાર, મોનલ ગજ્જર, માનસી પારેખ, કિંજલ રાજપ્રિયા જેવા કલાકારોએ પણ પોઝ આપીને તસવીરો ક્લિક કરાવી હતી. આ ઇવેન્ટ દરમિયાન મલ્હાર ઠાકર શેરવાનીમાં જોવા મળ્યો, તો રોનક કામદાર જેકેટ પહેરીને પહોંચ્યો હતો. હિતુ કનોડિયા સફેદ ટક્સીડોમાં જોવા મળ્યા હતા. મહત્ત્વની વાત તો એ છે કે, આ ફેસ્ટિવલમાં દર વર્ષે અંદાજે 5000થી વધુ દર્શકો હાજરી આપે છે અને આ ફેસ્ટિવલને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. સિડની ખાતે યોજાયેલ 3 દિવસીય IGFFમાં ભાગ લેવા માટે ફિલ્મ રસિકો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યોએ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.

IGFFમાં કિંજલ રાજપ્રિયા પિંક-રેડ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ હતી, શ્રદ્ધા ડાંગર સફેદ સાડીમાં કોઈ અપ્સરા જેવી દેખાઈ રહી હતી. આ ઇવેન્ટ માટે માનસી પારેખે વેસ્ટર્ન આઉટફિટ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી અને મોના થિબાએ બ્લેક ગોલ્ડન ગાઉન પહેર્યો હતો.