November 22, 2024

ઈઝરાયેલમાં ભારતીયોએ સાવધાન રહે, એમ્બેસીએ જારી કરી ચેતવણી

India in Israe: હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. દૂતાવાસે તેના સત્તાવાર સોશિયમ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી શેર કરી છે. જેમાં જણાવ્યું કે, પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.”

આ સલાહ એવા સમયે આવી છે જ્યારે ઈઝરાયેલમાં સુરક્ષાની સ્થિતિ તંગ છે. દૂતાવાસે તેના નાગરિકોને કોઈપણ પ્રકારની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. એમ્બેસીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં ભારતીય નાગરિકો એમ્બેસીના હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરી શકે છે. દૂતાવાસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તેના નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે.

ઇઝરાયેલમાં સ્થિતિ કેમ તંગ છે?
ઇઝરાયેલનું છેલ્લા 10 મહિનાથી હમાસ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા ઈઝરાયેલે હમાસના વડા ઈસ્માઈલ હનીયાહની હત્યા કરી નાખી હતી. હનીહના મૃત્યુ બાદ મધ્ય પૂર્વમાં સંકટ ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. ઑક્ટોબર 7ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલા અંગે ઇઝરાયેલે હનીહ અને અન્ય હમાસ નેતાઓને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈરાન હમાસ તેમજ હિઝબુલ્લાહ અને ગાઝામાં ઈઝરાયેલ સામે લડી રહેલા અન્ય પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોને સમર્થન આપે છે.

આવી સ્થિતિમાં ઈરાન હવે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. તેને જોતા ભારતે સાવચેત રહેવા જણાવ્યું છે. અગાઉ, લેબનોનની રાજધાની બેરૂતમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે ભારતીય નાગરિકોને “સખ્ત સલાહ” જારી કરી હતી કે જેમાં કહેવામાં આવ્યું કે, આગામી આદેશો સુધી આ પશ્ચિમ એશિયાઈ દેશમાં પ્રવાસ ન કરે.

નોંધનીય છે કે, ગયા વર્ષે 8 ઓક્ટોબરથી ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ઇઝરાયેલ સૈનિકો અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઇઝરાયેલે મંગળવારે દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફૌઆદ શુકુરને નિશાન બનાવ્યું હતું. બાદમાં ઈઝરાયેલે પુષ્ટિ કરી હતી કે તેણે શુકુરને મારી નાખ્યો હતો. ઇઝરાયેલે દાવો કર્યો છે કે અધિકૃત ગોલાન હાઇટ્સમાં સપ્તાહના અંતે થયેલા રોકેટ હુમલા પાછળ શુકુરનો હાથ હતો જેમાં 12 યુવાનો માર્યા ગયા હતા.