ઇઝરાયલી હુમલામાં લેબનીઝ સૈનિકનું મોત, 18 ઘાયલ; હિઝબુલ્લાનો ઇઝરાયલ પર રોકેટ હુમલો
અમદાવાદઃ રવિવારે લેબનીઝ આર્મી સેન્ટર પર ઈઝરાયલના હુમલામાં એક સૈનિકનું મોત થયું હતું અને 18 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન હિઝબુલ્લાએ ઉત્તરી અને મધ્ય ઇઝરાયલ પર ઘણા રોકેટ છોડ્યા હતા, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલી હુમલામાં 40થી વધુ લેબનીઝ સૈનિકો માર્યા ગયા છે, જ્યારે સેના મોટાભાગે તટસ્થ રહી છે. ઇઝરાયલી સૈન્યએ અગાઉ કહ્યું હતું કે લેબનીઝ સેના પર થયેલા હુમલાઓ એક ભૂલ હતી.
ઈઝરાયલ પર હિઝબુલ્લાનો વળતો પ્રહાર
ગાઝાથી શરૂ થયેલા હમાસના હુમલા બાદ હિઝબુલ્લાએ ઓક્ટોબર 2023માં ઈઝરાયલ પર રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં આ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાન આ બંને જૂથોને સમર્થન આપે છે. ઇઝરાયલે જવાબી હવાઈ હુમલા શરૂ કર્યા અને લેબનોનના કેટલાક ભાગોને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયેલે હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ અને તેના ટોચના કમાન્ડરોને પણ મારી નાંખ્યા હતા.
યુદ્ધની સ્થિતિ શું છે?
લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકો માર્યા ગયા છે અને 1.2 મિલિયન વિસ્થાપિત થયા છે. ઈઝરાયલમાં લગભગ 90 સૈનિકો અને 50 નાગરિકો પણ માર્યા ગયા છે. દેશના ઉત્તરમાં 60,000 લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.
શાંતિના પ્રયાસો ક્યાં સુધી પહોંચ્યા છે?
યુરોપિયન યુનિયન અને અમેરિકા શાંતિ માટે દબાણ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયને લેબનીઝ સેનાને મદદ કરવા માટે 200 મિલિયન યુરોની ઓફર કરી છે જેથી તે દક્ષિણ લેબેનોનમાં દેખરેખ રાખી શકે. યુએનના ઠરાવ હેઠળ, હિઝબુલ્લાહ અને ઇઝરાયેલી સૈનિકોને દક્ષિણ લેબનોન છોડવાની યોજના બનાવવામાં આવી રહી છે. લેબનીઝ સેના અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોને ત્યાં તૈનાત કરવામાં આવશે. લેબનીઝ સેનાને ધાર્મિક વિવિધતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ તેની લશ્કરી તાકાત હિઝબુલ્લાહ અથવા ઇઝરાયલ સાથે સ્પર્ધા કરવા માટે પૂરતી નથી.