જમ્મુ-કાશ્મીરમાં કેટલા વર્ષો પછી ચૂંટણી યોજાશે, કેટલા તબક્કામાં વોટિંગ? જાણો તમામ માહિતી
નવી દિલ્હીઃ આખરે એ સમય આવી ગયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ શુક્રવારે બપોરે 3 વાગ્યે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં ચૂંટણીઓ નહોતી થઈ. પરંતુ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર પહેલાં ઘાટીમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. આયોગ નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી કરાવવાનું પણ આયોજન કરી રહ્યું છે. તાજેતરમાં પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી અને ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વખત 2014માં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આમાં કોઈ પાર્ટી બહુમતી મેળવી શકી નહોતી. ભારતીય જનતા પાર્ટી (BJP)એ મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. પરંતુ, જૂન 2018માં ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું, જેના કારણે સરકાર પડી ગઈ. ત્યારથી ત્યાં કોઈ સરકાર ચૂંટાઈ નથી. 2019માં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કલમ 370 નાબૂદ કરી, જે છેલ્લા 70 વર્ષથી લાગુ હતી.
2014ની વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળી હતી?
વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણી વખતે કુલ 87 બેઠકો મળી હતી. જેમાં પીડીપીને 28, ભાજપને 25, એનસીને 15, કોંગ્રેસને 12, જેકેપીસીને 02, સીપીઆઈએમને 01, પીડીએફને 01, અપક્ષોને 3 બેઠકો મળી હતી. કલમ 370 હટાવ્યા બાદ સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ થઈ ગયા છે. લદ્દાખ હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેથી હવે, 2024માં ઘાટીમાં ચૂંટણી ક્યારે યોજાશે અને બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કરી શકે છે.
ચૂંટણી પંચ રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ઘાટીમાં ત્રણથી પાંચ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.